
જૂનાગઢ,
જૂનાગઢમાં એક સગીર યુવતી પર છ માસ સુધી અનેકવાર સામુહિક બળાત્કાર કરનારા ૩ નરાધમોની પોલીસ દ્વારા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ૬ મહિનાથી યસ દુધાત્રા અને તેના બે મિત્રો માખિયાળાનો કેયુર વાગડિયા અને વડાલ ગામનો દિવ્યેશ ગજેરા કિશોરી સાથે સામુહિક દુષ્કકર્મ આચરતા હતા. દરમિયાન બાળકીએ સમગ્ર મામલે પિતાને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેથી પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આખરે સફળતા મળી ગઈ.
તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, સૌપ્રથમ યસ દુધાત્રાએ બાળકીને રાતના સમયે ઘરની પાછળ અવાવરું જગ્યામાં લઈ જઈ દુષ્કર્મનો શિકાર બનાવી હતી. ત્યારબાદ યસના બે મિત્ર કેયુર અને દિવ્યેશે બાળકીને અલગ-અલગ પ્રકારથી ધમકીઓ આપીને હવસ સંતોષી હતી. દરમિયાન કિશોરીએ સ્કૂલ જવાનું બંધ કરી દેતા પિતા તેને જવા માટે કહેતા હતા. પરંતુ તે એક વાત કહેતી કે મારવી હોય તો મારી નાખો પરંતુ સ્કૂલ તો નહીં જાઉં. એક દિવસ પિતાએ કારણ પૂછતા દીકરીએ સમગ્ર હકીક્ત જણાવી અને પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ.