અમદાવાદ, જૂનાગઢના મજેડીયા દરવાજા પાસે આવેલ એક દરગાહ બિનકાયદેસર હોવાની કોર્પોરેશન દ્વારા નોટિસ આપવા મુદ્દે પોલીસ અને કેટલાક લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જે બાદ જૂનાગઢ પોલીસે પથ્થરમારો કરનાર લોકોને જાહેરમાં માર માર્યો હતો. જે અંગે માયનોરીટી કોઓર્ડીનેશન કમીટીના કન્વીનર અને લોક અધિકાર સંઘ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
જેમાં જૂનાગઢ પોલીસ દ્વારા જાહેરમાં કોરડા મારવા, ત્રાસ, ઉત્પીડન અને માનવ અધિકારોના ઉલ્લંઘન ઉપરાંત તેમના કબજા હેઠળના શંકાસ્પદ આરોપીઓના ઘરોની તોડફોડના મુદ્દાઓ પર હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
થોડા દિવસ અગાઉ જુનાગઢના મજેડીયા દરવાજા પાસે આવેલ એક દરગાહ બિનકાયદેસર હોવાની કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો. કોર્પોરેશનની આ કામગીરી સામે કેટલાક લોકો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે શરૂ થયેલું ધર્ષણ થયું હતું અને બાદમાં આ ઘર્ષણ અથડામણમા ફેરવાયું હતું. જેમાં જુનાગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ઘટનામાં સામેલ કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.
જુનાગઢમાં પોલીસ પર પથ્થરમારો કરનાર કેટલાક લોકોને પકડીને પોલીસે માર માર્યો હતો. આ ઘટના બાદ પોલીસની કાર્યવાહીને લઇને અનેક પ્રશ્ર્નો ઉભા થયા હતા. જેમાં ખાસ કરીને દરગાહની સામે આરોપીઓને ઉભા રાખી જાહેરમાં કોરડા મારવા અને તેનો વિડીયો બનાવી વાયરલ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ઉપરાંત આરોપીઓના ઘરોમાં તોડફોડ કરવાના પણ આરોપ પોલીસ પર લગાવવામાં આવ્યા છે. આ બાબતોનો ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.માઇનોરીટી કો-ઓડનેશન કમિટી દ્વારા કરાયેલી જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને આ મામલે વિગતવાર સુનાવણી ૨૮ જૂન અને બુધવારના રોજ કરવામાં આવશે.