જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના બાયો એનર્જી લેબોરેટરીમાં વહેલી સવારે દીપડો ઘૂસી જતા અફડાતફડી મચી હતી પરંતુ જૂનાગઢ વન વિભાગની ટીમે દીપડાને બેહોશીનુ ઇન્જેક્શન આપીને ઝડપી લીધો હતો અને દીપડાને સક્કરબાગ ઝૂ ખાતે લઇ જવાયો હતો, જ્યાં દીપડાનું હેલ્થ પરીક્ષણ પછી જંગલમાં છોડી મુકવામાં આવશે.
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી માં આવેલ બાયો એનર્જી લેબોરેટરીમાં દરરોજની જેમ આજે પણ સવારે વિદ્યાર્થીઓ આ બાયો એનર્જી લેબોરેટરી માં આવ્યા ત્યારે એક વિદ્યાર્થીની નજર પડી કે હોલના ખૂણા માં એક દીપડો બેઠો હતો, તુરંત વિદ્યાર્થીએ શાંતિથી લેબની બહાર નીકળીને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો અને કોલેજના પ્રિન્સિપાલને જાણ કરી હતી. તુરંત વન વિભાગને જાણ કરાઈ અને જોત જોતામાં તાબડતોબ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલીયા સ્થાનિક વન વિભાગ નો સ્ટાફ અને સક્કરબાગની રેસ્ક્યુ ટીમ કોલેજમાં આવી પહોંચી હતી અને પરિસ્થિતિ જોતા દીપડાની ઉમર અંદાજે બે થી અઢી વર્ષનું બચ્ચું હોવાનું જણાયું હતું, પરંતુ ગંભીર હુમલો કરી શકે તેવું મોટું બચ્ચું હોવાથી તેને બેભાન કરીને પકડવાનું રેસ્ક્યુ ઓપરેશન શરુ થયું અને દોઢ કલાકની જહેમત બાદ સકકરબાગ ઝૂના વેટરનરી ડૉ. રિયાઝ કડીવારે બેહોશીનું ઇન્જેક્શન ગનના ડાર્ટ દ્વારા મારવામાં આવ્યું હતું અને થોડીવારમાં દીપડો બેભાન થઇ જતા તેને સક્કરબાગ ઝૂ ખાતે લઇ જવાયો હતો જ્યાં દીપડાનું હેલ્થ પરીક્ષણ કર્યા બાદ ફરીથી જંગલમાં છોડી મુકવામાં આવશેપ
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ વર્ષમાં ગિરનાર ના જંગલ અને રેવન્યુ વિસ્તારમાં દીપડાની સંખ્યામાં ખુબજ વધારો થયો છે અને પરિણામે છાસવારે શહેર અને આસપાસના વિસ્તારોમાં દીપડાની રંજાડ વધી ગઈ છે, અગાઉ પણ કૃષિ યુનિવર્સીટીમાં અનેક વખત દીપડાઓ દેખાય છે અને માનવો ઉપર હુમલાના પણ બનાવો બની રહ્યા છે.