જુનાગઢમાં કેફી પીણુ પીધા બાદ બેનાં મૃત્યુ : સાચુ કારણ જાણવા ફોરેન્સીક રીપોર્ટની રાહ

જુનાગઢ,

ગત મોડી સાંજે રાત્રીના ૮.૩૦ કલાકે જુનાગઢ ગાંધી ચોકમાં રીક્ષા સ્ટેન્ડે દારૂ સમજીને પીતા એક બાદ બીજાનું પણ મોત નિપજયું હતું જેથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. એક પછી એક ૧૫ મીનીટમાં બંનેના મોત નિપજયા હતા. મળતી વિગત મુજબ જુનાગઢ ગાંધી ચોક રીક્ષા સ્ટેન્ડ ખાતે મોડી સાંજના ૮.૩૦ કલાકના સમયે રફીક ઘોઘારી ઉર્ફે બાદલ અને જોન ઉર્ફે લંગડો દારૂની મહેફીલ માણવા બેઠા હતા.

રફીકે બોટલમાંથી આ પીણુ પીધા બાદ ૧૦ થી ૧૫ મીનીટમાં જ ઢળી પડયો હતો સાથે રહેલા જોન ઉર્ફે લંગડાએ પણ બોટલમાંથી ઘુંટ મારેલ તે પણ ઢળી પડયો હતો. બંનેને અન્ય રીક્ષા ચાલકો હોસ્પિટલમાં લઇ ગયેલ પરંતુ ત્યાં ફરજ પરના ડોકટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બોટલમાં વધેલ આ પીણુ પણ સાથે લઇ ગયાનું જાણવા મળેલ છે. જે કબ્લે લઇ પોલીસે પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. લઠ્ઠાકાંડ સર્જાયાની વાતો સાથે ટોળા એકઠા થયા હતા. ધારાસભ્ય ભીખાભાઇ જોષી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરીક્ષણ બાદ જ સાચી હકીક્ત બહાર આવશે તેવું પોલીસનું કહેવું છે. જુનાગઢના ચિતાખાના ચોક ખાતે ગત મોડી સાંજે ૮ના સુમારે બે શખ્સોના દારૂ પીધા બાદ મોત નોંધાયા હતા. જેમાં બંને શખ્સોના થોડી જ વારમાં સારવાર મળે તે પહેલા જ મોત નોંધાયા હતા. આ અંગે ડીવાયએસપી ધાંધલીયાના જણાવ્યા મુજબ ફોરેન્સ લેબમાંથી રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીક્ત બહાર આવશે પરંતુ આ લઠ્ઠાકાંડ નથી તે હકીક્ત હોવાનું ચર્ચાય રહ્યું છે. કેફી પીણામાં ઝેરી અસરના કારણે મોત થવા પામ્યા છે.

એક વાત એવી પણ ચર્ચાઇ રહી છે કે કેફી પીણામાં ઝેરી પદાર્થ સાઇનેટ ગોળી જેવા કોઇ પદાર્થના કારણે તાત્કાલીક અમુક મીનીટમાં જ મોત થઇ શકે છે. તેવા ઝેરી પદાર્થથી આ મોત થયાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આજે બપોરના આઇજી ઓફિસ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવેલ જયાં ફોરેન્સીક રીપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાહેર કરવામાં આવશે તેમ ડીવાયએસપીએ જણાવ્યું છે.