જૂનાગઢના માળીયા (હાટીના) ના ખોરાસા ગીર નજીક એક એશિયાઇ સિંહણ અને બે બચ્ચા સહીત કુલ ત્રણ સિંહના મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. ખોરાસા ગામમાં રસ્તાની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં ત્રણ સિંહોના મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાની સાથે જ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરીને નાકા બાંધી કરીને જીંવત ભરી તપાસ શરુ કરી છે, હાલ વન વિભાગની ટીમે સિંહણ અને બચ્ચાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે. વન વિભાગ પાસે મોતના કારણ અંગે કોઈ માહિતી નથી, આથી વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતોએ તપાસ શરૂ કરી છે.
ગત રાત્રીના સમયે મળેલા એશિયાઈ સિંહોના ત્રણ મૃતદેહ અંગે વન વિભાગના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ એ તપાસની માહિતી આપતા જણાવ્યું હતું કે ત્રણ સિંહોના જે મૃતદેહ મળ્યા છે તેમાં એક સિંહણ પુખ્ત ઉંમરની છે અને તેના બે શાવક એક થી દોઢ વર્ષની આયુના માલુમ પડ્યા છે, મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને પોસ્ટમોર્ટમ ચાલુ રહ્યું છે, તે ઉપરાંત ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ ની મદદ પણ લેવાઈ રહી છે.
મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ એ વધુમાં જણાવ્યું કે ઘટના ના સ્થળની આજુબાજુમાં ખેતર માલિકો તેમજ આસપાસના ગામના લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે. વન અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના કુદરતી મોતની નથી એટલે આ ત્રણ સિંહોની હત્યાનો મામલો છે વાતલ મોતનું કારણ જાણવા અને સિંહના હત્યારાને ઝડપી લેવા તમામ દિશામાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે.