જુનાગઢ,શહેરમાં આવેલી યુબીઆઈ બેંકના મેનેજર સિયારામ પ્રસાદે ૧૦ દિવસ પહેલા બેંકની બહારના જ કોરીડોરમાં જીવન ટૂંકાવી લીધું હતુ. બેંક મેનેજર સિયારામ પ્રસાદે વહેલી સવારે ૪.૩૦ કલાકની આસપાસ આપઘાત કરી લીધો હતો. જોકે, આપઘાતના ૧૦ દિવસ બાદ મેનેજરની સ્યુસાઇડ નોટ સામે આવી છે. આપઘાત કરતા પહેલાની અંતિમ ચિઠ્ઠીમાં બેંક મેનેજરે અનેક ઘટસ્ફોટ કર્યા છે. તેમણે લખ્યુ છે કે, કામના ઓવરલોડના કારણે અને ઉપલા અધિકારીઓની યુનિયનબાજીને કારણે તેમણે આપઘાત કરી લીધો છે. તેમણે તેમની પત્નીને યોગ્ય જગ્યાએ નોકરી આપવા માટે પણ કહ્યુ છે.
જુનાગઢના બેંક મેનેજરે અંતિમ પત્રમાં જણાવાયુ છે કે, જ્યારે જુનાગઢમાં આવ્યા ત્યારે તેમને જોઇનિંગ લેટરમાં એક જ વિભાગનું કામ સોંપવામાં આવ્યુ હતુ. પરંતુ તેમની પાસેથી ત્રણ વિભાગના કામ લેવામાં આવતા હતા. આ સાથે તેમને કામની બાબતમાં ટોર્ચર પણ કરવામાં આવતા હતા. આ સાથે તેમણે જણાવ્યુ કે, બેંકમાં પુરતો સ્ટાફ ન હતો. જેટલો સ્ટાફ હતો તે પણ યુનિયનબાજી કરતો હતો. આ સ્ટાફ પણ તેમને ટોર્ચર કરતા હતા.
આ સાથે તેમણે પરિવાર અંગે લખતા જણાવ્યુ કે, અમારા પરિવારની સંભાળ કરનાર કોઇ નથી. મારી પત્ની અને બાળકોને યોગ્ય જગ્યા પર પહોંચાડવાની જવાબદારી બેંકની છે. પત્નીને તત્કાલ પેંશન ચાલુ કરીને નોકરી આપવામાં આવે. બેંકના એમડીઈસીઓ મેડમને પ્રાર્થના છે કે, અસંભવ ટાર્ગેટ આપીને સ્ટાફ પર ઝુલ્મ ન કરે. નહીં તો મારી જેમ અન્ય લોકો પણ આપઘાત કરવા માટે મજબૂર થશે. મારી પત્નીને તત્કાલ પેંશન ચાલૂ કરીને નોકરી અપાવવાનો કષ્ટ કરજો.
નોંધનીય છે કે, જુનાગઢની જાંજરડા ચોકડી પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની રિજનલ ઓફિસના બેંક મેનેજર સિયારામ પ્રસાદે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. તેમણે બેંકની બિલ્ડિંગની બહાર આવેલી સ્ટીલની રેલિંગ પર લટકીને મોતને વ્હાલુ કર્યુ હતુ. બેંક મેનેજરે વહેલી સવારે ૪.૩૦ વાગ્યાની આસપાસ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.