જુનાગઢ મહાનગરપાલિકાની ફરી એક વાર બેદરકારી સામે આવી છે. કાળવાના વોકળા કાંઠે આવેલા ૧૮૧ જેટલા દબાણો હજી સુધી દૂર નથી કર્યા. તંત્રએ ૮ મહિના પહેલા માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે. નોટિસ બાદ પણ દબાણો દૂર નથી થયા ત્યારે, એ વાતનો ભય સર્જાયો છે કે ગત વર્ષની જેમ ફરી પૂર આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે. અત્રે નોંધનિય છે કે નોટિસ બાદ ૭ દિવસમાં દબાણ દૂર કરી દેવાના હોય છે તો સ્વેચ્છાએ દબાણ દૂર ના થાય તો મનપાએ સ્વખર્ચે દબાણ તોડવાના હોય છે. પરંતુ, હજી સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. તંત્રને આ મુદ્દે સવાલ પૂછાયો, ત્યારે તેમણે જૂના કમિશનર પર ઢોળ્યું અને કહ્યું કે જૂના કમિશનરે નોટિસ આપી હતી. તેઓ હવે બદલાઇ ગયા છે. સાથે, એવું પણ જણાવ્યું કે, કેટલાંક લોકોએ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટ કાર્યવાહી ચાલતી હોવાથી મનાઇ હુકમના લીધે દબાણ દૂર નથી કર્યા. પરંતુ અહીં, સવાલ ઉઠે કે, જૂના કમિશનરે જે નોટિસ આપી હતી. તેમાં ટાઉન પ્લાનિંગ અધિકારીની પણ સહી છે અને ટાઉન પ્લાનિંગ અધિકારી તો બદલાયા નથી. છતાં કામગીરીમાં ઢીલાશ કેમ? આવા સવાલ ઉઠાવ્યા છે એડવોકેટ કિરીટ સંઘવીએ. એવા પણ આક્ષેપ લાગ્યા છે કે, શું મોટા માથા હોવાથી દબાણ તોડવામાં નથી આવી રહ્યા.
મહત્વનું છે, ૨૦૨૩માં તંત્રએ દબાણ હટાવવા નોટિસ આપી હતી. ૮ મહિના વીતી ગયા છતાં કામગીરી બાકી છે. ત્યારે એડવોકેટ કિરીટ સંઘવીએ પણ સવાલ ઉઠાવ્યા છે અને ગેરકાયદે દબાણ જલ્દી દૂર કરવા માગ કરી છે. ઉલ્લેખનીય છે, જો દબાણ દૂર નહીં થાય તો, ચોમાસાના ભારે વરસાદમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે.