
- ૨૨,૦૦૦ લીધા ને હવે મામા બનાવવાના ધંધા કરો છો, અમારો કરિયાવર અત્યારે ને અત્યારે જ જોઈએ’.
જૂનાગઢ, જૂનાગઢના ભવનાથમાં માનવસેવા ગ્રૂપ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં આજે નવદંપતીઓને સમયસર કરિયાવર ન મળતા ભારે ધમાલ મચી હતી. લગ્નમંડપમાં લગ્નગીત શાંત થયાં બાદ તુરંત જ આયોજક સામે સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા. સમૂહલગ્નમાં એક યુગલ પાસેથી ૨૨ હજાર રૂપિયાની ફી લઈને કરિયાવર આપવાની વાત કરાયા બાદ કરિયાવર ન અપાતા નવદંપતી વિફર્યાં હતાં. તો બીજી તરફ આયોજકો કરિયાવર આવી જ રહ્યો હોવાની વાત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
સમૂહલગ્નમાં દીકરા-દીકરીઓને પરણાવવા માટે આવેલા વાલીઓએ કહ્યું હતું કે, અમને લોકોને આયોજકો દ્વારા ૧૫ તારીખે જ કરિયાવર લઈ જવાનું કહ્યું હતું. પરંતુ, ત્યારબાદ આજકાલ-આજકાલ કરતા રહ્યા હતા. આજે લગ્નનો દિવસ આવી જતા અમારી ચિંતા વધી હતી કે લગ્ન થશે કે નહીં. અત્યારે જાનની વિદાયનો સમય થઈ ગયો હોવા છતાં કરિયાવર મળ્યો નથી. નવદપંતી પાસેથી આયોજકોએ સમૂહલગ્નમાં ફી માટે ૨૨ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. સમૂહલગ્નની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે જ આયોજકો દ્વારા જાહેરાતમાં જ કરિયાવરમાં ૫૧ વસ્તુઓની યાદી છાપવામાં આવી હતી.
સમૂહલગ્નમાં દીકરા-દીકરીઓને પરણાવવા માટે આવેલાં પરિવારજનો ભારે ગુસ્સે થયેલા જોવા મળ્યાં હતાં. કહ્યું હતું કે, સમૂહલગ્નમાં નોંધણી માટે એક વ્યક્તિ પાસેથી ૧૧ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીં સમૂહલગ્ન સમયે પણ દાનના નામે અમારા પાસેથી અલગ અલગ રૂપિયા લેવામાં આવ્યા હતા. પૈસા લીધા બાદ પણ અમારા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. અમને અમારો કરિયાવાર આપવામાં આવે.
જૂનાગઢમાં શાંતિપૂર્વક ચાલી રહેલા સમૂહલગ્નમાં નવદંપતીઓનાં પરિવારજનો દ્વારા આયોજકો પાસે કરિયાવરની માગણી કરી સૂત્રોચ્ચાર કરતા થોડીવાર માટે વાતાવરણ તંગ બન્યું હતું અને આયોજકોને પરસેવો છૂટી ગયો હતો. આયોજકોએ કહ્યું હતું કે, સામાન તૈયાર છે વાહન આવે એટલે હમણાં સામાન આવી જશે. સાથે કહ્યું હતું કે, અમારે ત્યાં એવો રિવાજ છે કે લગ્ન પૂર્ણ થયા બાદ કરિયાવર આપવામાં આવે. જ્યારે ટ્રસ્ટ મુદ્દે પૂછતા કહ્યું હતું કે, અમારું કોઈ ટ્રસ્ટ નથી કે કોઈ રજિસ્ટ્રેશન નંબર નથી.
મયૂર રાઠોડ નામના વરરાજાએ કહ્યું હતું કે, અશોકભાઈને ૨૨ હજાર રૂપિયા ફી ભરી હતી. કરિયાવર માટે અમને ચાર-પાંચ તારીખ આપી હતી. પણ હવે આ લોકો જવાબ આપતા નથી. અત્યારે મંડપમાં જેટલા બેઠા છે તે બધા ભૂખ્યા છે. જ્યારે એક દુલ્હનના ભાઈએ હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું કે, અમને રવિવારે જ અહીંથી કરિયાવર લઈ જવાનું કહ્યું હતું. અમે અહીં આવ્યા તો કહ્યું કે, ફર્નિચર લેવા કેશોદ જવાનું છે અને વાસણ લેવા બિલખા જવાનું છે.