જુનાગઢમાં રોકાણકાર સાથે ૧.૪૬ કરોડની છેતરપીંડી કરનાર ચીટર ગેંગની ટોળી ઝડપાઈ

જુનાગઢ મોતીબાગ પાસે રહેતા શખ્સને પોરેક્સ ટ્રેડીંગમાં રોકાણ કરવા અને વધુ નફો કમાવવા લાલચ આપી ગઠીયાઓએ રૂા.૧.૪૬ કરોડની રકમ ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં નફો ન આપી મુદલ રકમ પણ પરત ન આપતા સાઈબર પોલીસે અમદાવાદ મુંબઈના સાત ચીટરોને પકડી મુદામાલ કબ્જે કર્યો છે.

જુનાગઢ મોતીબાગ નજીક રહેતા પાનસુરીયા રમેશભાઈ વેલજીભાઈ ગત તા.૨૮-૯-૨૦૨૩ના ઓનલાઈન વીડિયો જોતા હતા ત્યારે તેમાં ઈથોરીયમ કોડમાં રોકાણ વિષેની માહિતીનું પેઈજ જોવા મળેલ તેના પર કલીક કરતા તેના મોબાઈલ આઈડી અને ડાયલીંગ બોક્સ ખુલ્યું હતું.

રમેશભાઈએ તેમાં વિગતો ભરતા અજાણી મહિલાનો ફોન આવેલ તેણે ઈથેરીયમ કોડમાં અલ્ગો ટ્રેગીંગ છે જેમાં ઓટોમેટીક ટ્રેડીંગ થશે અને વધુ નફો મળશે તેવી લાલચ આપી હતી. રમેશભાઈ પાનસુરીયાએ જુદા જુદા સમયે કુલ રૂા.૧.૪૬ કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી ત્યારબાદ આ ચીટર ગેગે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. અને નાણા પરત આપ્યા ન હતા.

આ અંગે સાઈબર પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. સાઈબર પોલીસે ઓનલાઈન ટ્રાન્જેકશન અને ટેકનીકલ સર્વેલન્સના આધારે અમદાવાદની ફૂડ ડિલેવરી અને છુટક ડ્રાઈવીંગ કરતા ભાવેશ ઉર્ફે બાકડો જશવંત શીરકે (ઉ.૨૮) ફોટોગ્રાફી અને ઉધઈ કાઢવાનો ધંધો કરતા બહાદુરસિંહ ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે ભોલુ ચતુર વાણીયા (ઉ.૩૨) મુંબઈના વેપારી અજયસિંહ અરવિંદસિંહ ચૌહાણ (ઉ.૫૧) અમીશ દિપક શાહ (ઉ.૪૨) અમદાવાદ આંબાવાડીના રામદેવનગરનો જીલ ઈલ્યાસ પટેલ (ઉ.૨૭) અને મુળ જામનગરનો હાલ મુંબઈ અંધેરી વેસ્ટ વિસ્તારમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે રાહુલ સુભાષ વોરા (ઉ.૪૯)ને પકડી લઈ જુનાગઢ લઈ આવી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરવો હુકમ કર્યો હતો. પોલીસે આ શખ્સો પાસેથી રોકડ રકમ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.