જૂનાગઢ, જૂનાગઢના મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોની વેપારીને બંધક બનાવીને બંદૂકની અણીએ રૂપિયા ૮૦ લાખના સોના ચાંદીના દાગીના સહિત રોકડની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાના પગલે પોલીસને જાણ થતા ક્રાઈમ બ્રાન્ચ મેંદરડા પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જૂનાગઢના મેંદરડામાં લૂંટની ઘટના સામે આવી છે. જેમાં રાજેસર ગામમાં રહેતા એક સોની વેપારી પોતાના ઘરે રાત્રિના સમયે હાજર હતા. દરમિયાન બે શખ્સો આવી અને બંદૂકની અણીએ સોની વેપારી જીતેન્દ્રભાઈ લોઢીયાને બંધક બનાવી દેવામાં આવ્યા હતા અને બાદમાં તિજોરીમાં રહેલ ૨૧ કિલો ચાંદી ૯ લાખ રોકડ અને ૮ સોનાના બિસ્કીટ મળી કુલ ૮૦ લાખના મુદ્દામાલની લૂંટ કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.
લૂંટ કરનાર જાણ ભેદુ અને સોની વેપારીના નજીકના હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં દીપક જોગિયા અને બે અજાણ્યા શખ્સો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના પગલે પોલીસને જાણ થતા ક્રાઈમ બ્રાન્ચ મેંદરડા પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપીઓને ઝડપી લેવા અને આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે તેની તપાસ કરવા પોલીસની ડોગ સ્કોડ, એફએસએલની ટીમોની પણ મદદ લેવામાં આવી છે. ડીવાયએસપી એ. એસ. પટણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે નાકાબંધી કરવામાં આવી હતી.