જુનાગઢમાં ખોડિયાર મંદિરમાં ચોરીને અંજામ આપનાર બે આરોપી ઝડપાયા, ૨ વર્ષમાં ૫૧ મંદિરમાં ચોરી કરી

જુનાગઢમાં મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરતી ગેંગના 2 આરોપી ઝડપાયા. મેંદરડામાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી કરતા આરોપીઓ સીસીટીવીમાં થયા હતા કેદ. પોલીસે 3માંથી 2 આરોપીને ઝડપી પાડ્યા. તપાસમાં આરોપીઓએ છેલ્લા 2 વર્ષમાં રાજ્યભરનાં 51 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું કબુલ્યું. આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ડીનો પણ તપાસમાં ખુલાસો થયો છે. ચોરી કરતા પહેલા આરોપીઓ એકબીજા સાથે મંદિરનું લોકેશન અને ફોટો શૅર કરતા હતા. જુનાગઢ જિલ્લાના વિસાવદર, મેંદરડા અને કેશોદના મંદિરોમાં પણ આરોપીઓએ હાથ ફેરો કર્યો હોવાનુ સામે આવ્યુ છે. મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના અને છત્રની આરોપીઓએ ચોરી કરી હતી.

ખોડિયાર મંદિમાં ચોરીના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમા સ્પષ્ટ રીતે મંદિરના આરોપીઓ મંદિરમાં પ્રવેશતા જોઈ શકાય છે. જો કે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી મંદિરમાં રહેલી યજ્ઞવેદીને નમન કરતો પણ જોવા મળ્યો હતો. મંદિરમાં ચોરી કરવા આવેલો ચોર મંદિરમાં પ્રવેશતા પહેલા યજ્ઞવેદી સામે શિશ નમાવ્યુ ત્યારબાદ ચોરીને અંજામ આપી નીકળી ગયા હતા.

ત્રણ આરોપીઓમાં સાગર ગોહેલ, ભીખુ કટારીયા અને રોહિત ગોળકીયાનો સમાવેશ થાય છે. આ ચોરોની પ્રાથમિક તપાસમાં  જે સામે આવ્યું છે તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ. આરોપીઓએ  2 થી અઢી વર્ષના ગાળામાં જુનાગઢ જિલ્લામાં 7 અને અન્ય જીલ્લાઓમાં 48 એમ કુલ મળીને 55 જેટલાં મંદિરોમાં ચોરીને અંજામ આપ્યો છે. વધુ ચોંકાવનારો ખૂલાસો એ થયો છે કે આ ચોરો માત્ર મોજશોખ ખાતર મંદિરમાં ચોરી કરતા હતા.

મંદિર ચોરો પાસેથી પોલીસને સોનું ગાળવાનો સામાન પણ મળી આવ્યો છે. સોના-ચાંદીના દાગીના, મોબાઈલ અને વાહન સહિત કુલ 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસે મંદિરોને ટાર્ગેટ કરતી તસ્કર ટોળકીના બે લોકોની ધરપકડ કરી અન્ય આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. તેમજ મંદિરમાંથી ચોરી કરેલો મુદ્દામાલ ક્યાં છુપાવ્યો તે અંગે પણ પૂછપરછ હાથ ધરી છે. તેમજ આરોપીઓ ચોરી સિવાય અન્ય ક્યા ગુનામાં સંડોવાયેલા છે તેને લઈને પણ પૂછપરછ હાથ ધરી છે. મંદિરનો મુદ્દામાલ પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.