જૂનાગઢ,
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું રસીકરણ ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે ભળતા નામે વેક્સિન સિર્ટીફીકેટસ ઈસ્યુ કરી દેવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે જોકે આરોગ્ય વિભાગના એડિ. ડાયરેક્ટર ડૉ.નયન જાનીએ કહ્યું હતું કે ગુજરાતમાં આ શક્ય નથી. જેમણે આવાં ખોટાં સિર્ટીફીકેટસ આપ્યાં છે તેમની સામે પગલાં લેવાયાં છે, એટલે આ શક્ય નથી. આશ્ર્ચર્યની વાત એ છે સ્થાનિક લોકોને રસી માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું, ત્યારે જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓનાં નામે રસીના સિર્ટીફીકેટસ ઇસ્યુ કરી દેવામાં આવ્યાં હતાં.
સુત્રોના જણાવ્યા અનુસાર આ બોગસ સિર્ટીફીકેટસ ની કોપીઓ વાયરલ થઇ છે, જેમાં જ્યા બચ્ચન ઉંમર વર્ષ ૨૩ એ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીનાબેન વ્રજલાલ વ્યાસ નામની મહિલા કર્મચારી પાસે રસી લીધી હતી, જેમાં પ્રથમ ડોઝ તા. ૩૦ જુલાઈ ૨૦૨૧, બીજો ડોઝ ૩૦ ઓક્ટોબર ૨૦૨૧ અને પ્રિકોશન ડોઝ ૩ ઓગસ્ટે લીધો હોવાનાં સિર્ટીફીકેટ મળ્યાં છે.
પ્રથમ બન્ને ડોઝમાં રસીના બેચ નંબર એકના એક છે, જ્યારે પ્રિકોશન ડોઝના બેચ નંબર બદલાય છે. એ ઉપરાંત મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ અભિનેત્રી જેવું જ નામ ધરાવતી મહિમા ચૌધરી, ઉંમર વર્ષ ૨૨ એ ૩૦ જુલાઈએ પ્રથમ ડોઝ, ૩૦ ઓક્ટોબરે બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ લીધો હોવાનાં સિર્ટીફીકેટ બનાવાયાં છે.
જેમાં પ્રથમ બંને ડોઝના બેચ નંબર પણ એકના એક છે. આ રસી પણ બીનાબેન વૃજલાલ વ્યાસ નામના કર્મચારી હસ્તક આપવામાં આવી છે. એ ઉપરાંત મોટી મોણપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અભિનેત્રીના ભળતા નામવાળી વ્યક્તિ જુહી ચાવલા, ઉંમર વર્ષ ૪૪એ પ્રથમ ડોઝ ૧૫ જુલાઈ ૨૦૨૧, બીજો ડોઝ ૯ ઓક્ટોબર ૨૦૨૧ અને પ્રિકોશન ડોઝ ૧૦ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ લીધા હોવાનાં સિર્ટીફીકેટસ ઈસ્યુ થયાં છે.
જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે અધિકારીઓનું દબાણ હતું એટલું જ નહીં, કેટલાક અધિકારીઓ તો એમ પણ કહેતા હતા ગમે તેમ કરો, ટાર્ગેટ પૂરો થવો જોઈએ. એને કારણે અનેક જગ્યાએ રસીકરણની કામગીરી કાગળ ઉપર કરવામાં આવી હતી, જેમાં ગમે તે વ્યક્તિનું નામ લખીને રસી અપાય ગયાની પ્રોસેસ કરવામાં આવી હતી. આવાં સિર્ટીફીકેટ અનેક લોકોનાં ઈસ્યુ થયાં છે. એવા સંજોગોમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો ખોટાં સિર્ટીફીકેટ જ નહીં, કોરોનાની કીમતી રસીને નાશ કરવાનું કૌભાંડ પણ બહાર આવી શકે છે.
કોરોના રસીકરણનાં બોગસ સિર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવ્યાં છે, જેમાં જુહી ચાવલાએ મોટી મોણપરી ગામે તા ૧૦-૮-૨૦૨૨ના રોજ, મહંમદ કૈફે પ્રેમપરા સબ સેન્ટર ખાતે ૯ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ, ત્યાર બાદ જયા બચ્ચને મેંદપરા પીએચસીમાં ૩ ઓગસ્ટ ૨૦૨૨૨ના રોજ અને મહિમા ચૌધરીએ મેંદપરા ખાતે પીએચસીમાં ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રસી લીધાનાં પ્રમાણપત્ર ઈસ્યુ થયાં છે. આ તમામ લોકોની જન્મ તા ૧ જાન્યુઆરી અને સાલ અલગ અલગ લખવામાં આવી છે.
ભાવનગરમાં વેક્સિન લીધા વગર એજન્ટો મારફત સિર્ટીફીકેટ મેળવી લીધાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ વધુ બોગસ રસીકરણ પ્રમાણપત્રના કિસ્સા સામે આવ્યા હતા. જ્યારે શહેરમાંથી પ્રમાણપત્ર મેળવવા વધુ ભાવ લેવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. એને મદદરૂપ આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ બનતા હતા છતાં આરોગ્યતંત્રને એ બાબતની કોઈ જ જાણ નથી, જે ગંભીર બેદરકારી ગણાય.શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય મહિલાએ વેક્સિન લીધી નહોતી. પરંતુ તેણે રૂપિયા આપ્યા તો તેને માલણકા આરોગ્ય કેન્દ્રમાંથી વેક્સિન લીધાનું પ્રમાણપત્ર પણ મળી ગયું હતું. તેને નવાપરા વિસ્તારના યુવાન જે એજન્ટનું કામ કરે છે તેણે અપાવ્યું હતું.