જૂનાગઢ, કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી ભારતીય ક્સિાન સંઘ દ્વારા ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે. ખેતી પાકોના ભાવમાં નિયંત્રણ લાવવા ડુંગળીની નિકાસ કરવા પર પ્રતિબંધ મુક્તા ખેડૂતો બરાબર મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને જે ડુંગળીના ૭૦૦ ત્રણ દિવસ પહેલા મળતા હતા તેના હવે સીધા જ ૪૦૦ રૂપિયા મળતા ખેડૂતોની હાલત દયનીય બની છે અને ખેડૂતોએ લીધેલ બિયારણ પણ માથે પડ્યું છે.
ખેડૂતોને દિવસેને દિવસે રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે ત્યારે વધુ એક વાર ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે જેથી ભારતીય ક્સિાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને વહેલી તકે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવવા માંગણી કરવામાં આવી છે જો પ્રતિબંધ નહીં હટાવવામાં આવે તો ખેડૂતો ખેતર મૂકી રસ્તા પર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
રાજ્યમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માગ કરવામાં આવી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોની દશા કફોડી થઈ હોય ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીને કારણે ઠપ્પ થઈ જતાં ખેડૂતો જાયે તો જાયે કહાં જેવો ઘાટ ઘડાયો છે.