જૂનાગઢમાં ૫૦૦ રૂપિયાની લેતી દેતી મામલે માટે યુવાનની હત્યા

જૂનાગઢના સક્કરબાગ નજીક રામદેવ પરા વિસ્તારમાં ૨૯ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. પાડોશમાં જ રહેતા યુવકે ૨૯ વર્ષીય સંજય મકવાણા નામમાં યુવકને પૈસાની લેતી દેતી મામલે છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા.

જૂનાગઢમાં ગત રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. જેને પગલે ચકચાર મચી છે. યુવક સંજય પોતાના ઘરની બહાર હતો. ત્યારે પાડોશમાં રહેતા દેવા ચૌહાણે સંજય પાસે રૂપિયાની માંગ કરી હતી. જેની ના પાડતા દેવાએ સંજય પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી સંજય ત્યા જ ઢળી પડ્યો હતો. ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ યુવકની હત્યાથી ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.

આ હત્યાની જાણ થતા જૂનાગઢ ડીવાયએસપી ,પીઆઈ, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.

મૃતક યુવકનો ભાઈ અરવિંદ મકવાણાએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઈને છરીના ઘા મારવામાં આવ્યાં હતા. અમારા ઘરની સામે રહેતા દેવાભાઈએ જ છરી મારી હતી. જેથી મારા ભાઈને અમે હોસ્પિટલમાં લઈ આવ્યાં હતા, જોકે, તેનું મોત થઈ ગયું હતું. સાવ નાની બાબતમાં ખાલી ૫૦૦ રૂપિયા ન આપતા દેવાએ છરી કાઢીને હુમલો કર્યો હતો. મારા ભાઈને ચાર નાના બાળકો છે.જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, જુનાગઢના સકરબાગ નજીક રામદેવપરા વિસ્તારમાં સંજય મકવાણા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પાડોશમાં રહેતા દેવો ચૌહાણ નામના યુવકે પૈસાની લેતી દેતી મામલે છરીના ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલ સારવારમાં લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા આઇપીસી કલમ ૩૦૨ મુજબનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપી દેવો ચૌહાણને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે