હાલના સમય નાની ઉંમરે અને ખાસ કરીને યુવાનોમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાંથી પણ આવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 24 વર્ષીય યુવકને દાંડિયાં રમતાં રમતાં જ હાર્ટ એટેક આવતાં તે ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ પ્રાથમિક સારવાર આપી તાબડબોડ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવાર માથે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.
જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતો ચિરાગ પરમાર નામનો 24 વર્ષીય યુવાનને દાંડિયા રમવાનો શોખ હતો. જે છેલ્લાં 10 વર્ષથી દર વર્ષે નવરાત્રિ પહેલાં દાંડિયા ક્લાસીસમાં જતો અને નવરાત્રિમાં આ યુવાન દાંડિયા રમતો હતો. દાંડિયામાં ઘણા પુરસ્કાર મેળવી ચૂકેલો ચિરાગ પરમાર ગઇકાલે જૂનાગઢના જોષીપરા ખાતે આવેલા એક દાંડિયા ક્લાસીસમાં સાંજના 8:00 વાગ્યાના સમયે ગયો હતો અને ત્યાં દાંડિયા રમવા લાગ્યો હતો. જ્યાં તેને ચક્કર આવતાં તે બેભાન થયો હતો. તેની આસપાસના લોકોએ ચિરાગને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરોએ ચિરાગને મૃત જાહેર કર્યો હતો અને પીએમ રિપોર્ટમાં ચિરાગ પરમારનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.
મૃતક ચિરાગ પરમારના ભાઈ મુકુંદ પરમારે જણાવ્યું હતું કે, મારા નાના ભાઈ ચિરાગ પરમારને દાંડિયા રમવાનો ખૂબ જ શોખ હતો. ઘણા સમયથી ચિરાગ દાંડિયા રમતો હતો, પરંતુ કાલે ચિરાગ દાંડિયાના કોચિંગ ક્લાસમાં ગયો હતો અને ત્યાં દાંડિયા રમતાં રમતાં અચાનક તે ઢળી પડ્યો હતો. ત્યારે કાલની રાત અમારા માટે ભયાનક હતી. અચાનક રમતો રમતો એ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યાં હાર્ટ એટેકના કારણે તેનું મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું હતું.
કોચિંગ ક્લાસીસના કોચ મહેન્દ્રભાઈ ગોસાઈએ જણાવ્યું હતું કે, ચિરાગ પરમાર એટલે કે જીગાને અમે આઠ-દસ વર્ષથી ઓળખીએ છીએ. ગઇકાલે અચાનક જ એક દુઃખદ ઘટના બની હતી. જીગો અમારા ક્લાસીસમાં દાંડિયાની પ્રેક્ટિસ કરવા માટે આવ્યો હતો. એટલે 8 થી 10 વર્ષના સમયથી ચિરાગ પરમાર દાંડિયામાં એવોર્ડ વિજેતા રહી ચૂક્યો છે. ત્યારે કાલે અચાનક જ દાંડિયા રમતાં રમતાં તે ક્લાસીસમાં ઢળી પડ્યો હતો. ત્યારે ત્યાં હાજર લોકોએ ચિરાગને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ ચિરાગ પરમારને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેને એટેકના આવવાથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે ગતરોજ રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળે ત્રણ યુવકને છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ બેભાન થઇ ઢળી પડ્યા હતા અને ત્રણેયના મૃત્યુ થયાં હતાં. હાર્ટ એટેકથી ત્રણેય યુવકનાં મૃત્યુ થયા હોવાનું તેમનાં પરિવારજનોએ જણાવ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
પાંચ-છ દિવસ પહેલાં સુરતના ભટારમાં એક 36 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. યુવકને છાતીમાં દુખાવો થતાં દવા લેવા સિવિલ પહોંચ્યો તો ત્યાં જ ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે લઇ જવાતા મૃત જાહેર કરાયો હતો. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં યુવકનો એક દિવસ પહેલાં જ બર્થડે હતો અને બીજા દિવસે યુવકનું અચાનક મોત નીપજ્યું હતું.
એકાદ મહિના પહેલાં કપડવંજમાં પેટ્રોલપંપ પર એક યુવકનું હાર્ટ અટેકના કારણે મોત નીપજ્યું હતું. એક પેટ્રોલપંપ પર રિક્ષા પાસે ઊભેલા યુવકને હૃદયરોગનો હુમલો આવતા તે ઘટનાસ્થળ પર જ ઢળી પડ્યો હતો. કપડવંજની આ ઘટના પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે એના ચાર દિવસ બાદ નવસારી શહેરમાં પણ આવો જ બનાવ સામે આવ્યો હતો. નવસારીમાં હીરાના કારખાનામાં બારી પાસે ઊભા રહેલા યુવકને હાર્ટ અટેક આવતા ઘટનાસ્થળ પર જ ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.