જૂનાગઢ, જૂનાગઢના સુખનાથ ચોક પાસે રહેતા અને બે દિવસ પહેલા ગુમ થયેલા કિશોરની આજે ઉપરકોટ નજીક જંગલ વિસ્તારમાંથી લાશ મળી આવતા ચકચાર મચી છે. લાશ પરથી એક હાથ ગાયબ હોવાના કારણે મોતનું રહસ્ય ઘેરું બન્યું છે. જૂનાગઢ પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના સુખનાથ ચોકમાં રહેતો ૧૩ વર્ષીય માહિર કાદરી નામનો કિશોર ગુમ થયો હતો. આ અંગે તેમના પરિવારજનો દ્વારા જૂનાગઢ એ ડિવિઝનમાં જાણ કરવામાં આવી હતી. પરિવારજનો અને પોલીસ માહિરની શોધખોળ કરી રહ્યા હતા તેની વચ્ચે આજે સવારે ૧૦ વાગ્યાના અરસામાં ઉપરકોટ નજીક જંગલ વિસ્તારમાં એક કિશોરની લાશ પડી હોવાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ અંગે માહિરના પરિવારજનોને જાણ કરવામાં આવતા તે પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને લાશની ઓળક કરી હતી.
ઉપરકોટ નજીક જે અવાવરું જંગલ વિસ્તારમાંથી લાશ મળી આવી છે તે માહિરના ઘરથી ૧ કિલોમીટર દૂર છે. આ વિસ્તારમાં સામાન્ય રીતે હાલ લોકોની અવરજવર રહેતી નથી. લાશ પરથી એક હાથ પર ગાયબ છે. જો કે, તે કોઈ જંગલી પશુએ ફાડી ખાધો હોવાની આશંકા છે. પરંતુ, આ સ્થળ પર માહિર કઈ રીતે આવ્યો અને તેનું મોત કઈ રીતે થયું તેને લઈ પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ઉપરકોટ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.
માહિરના પિતા ઈકબાલભાઈ કાદરીએ કહ્યું હતું કે, ગઈકાલે સોમવારે સાંજે માહિરને સ્કૂલ ફીના પૈસા આપી તેના બનેવીની દુકાને મોકલ્યો હતો. ૧૫ મિનિટ બાદ મેં મારા જમાઈને ફોન કરીને પૂછ્યું હતું કે, માહિર ત્યાં આવ્યો કે નહીં. તો મારા જમાઈએ ના પાડી હતી. જેથી મે મારી દીકરીને તપાસ કરવા માટે મોકલી તો માહિરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે સવારે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો.
કિશોરની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ જૂનાગઢ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો તો. ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ કહ્યું હતું કે, આ બનાવનો ભેદ ઉકેલવા માટે અમે નેત્રમ શાખાની મદદ લઈ સીસીટીવીની તપાસ કરી રહ્યા છીએ અને અલગ અલગ દિશામાં તપાસ હાલ ચાલી રહી છે.