દર વર્ષે ૨૧મી જૂને આખું વિશ્ર્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે એક્સાથે આવે છે. હાલના સમયમાં મોટાભાગના લોકો યોગ તરફ વળ્યા છે અને જાગૃત થયા છે. ત્યારે સ્વયમ અને સમાજ માટે યોગની થીમ પર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જૂનાગઢમાં બે ઐતિહાસિક સ્થળો પર કરવામાં આવી હતી.
જૂનાગઢમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બહાઉદ્દીન કોલેજ ખાતે યોજાયો હતો. જ્યારે મહાનગરનો કાર્યક્રમ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં યોજાયો હતો. જિલ્લા કક્ષાના વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્ય સંજય કોરડીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર , ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ અને ૬૦૦થી વધુ લોકો જોડાયા હતા. ફક્ત યોગ દિવસે યોગ કરવા નહીં પરંતુ, દરરોજ યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. જેને લઇ યોગ ટ્રેનર દ્વારા માહિતગાર પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિશ્ર્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવતા સંજયભાઇ કોરડીયાએ યોગાભ્યાસ પર ભાર મુક્તાં કહ્યું હતું કે, આપણા રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. પ્રત્યેક નાગરિક નિરોગી અને તંદુરસ્ત બનશે. ત્યારે જ સ્વસ્થ સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે.
લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે જૂનાગઢ જિલ્લાની તમામ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશનો અને જિલ્લા જેલ સહિત જૂનાગઢનાં પ્રસિધ યાત્રા સ્થળો ઉપરકોટ સહિત વિવિધ જગ્યાએ પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પોલીસ સ્ટાફ, વિવિધ શાળા- કોલેજોનાં છાત્રો, જૂનાગઢનાં યોગ ક્ષેત્રે કાર્યરત વિવિધ સ્વયંસેવી સંસ્થાઓનાં કાર્યર્ક્તા, સહિત વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, સારી સંખ્યામાં નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતા.