જૂનાગઢ, કેશોદમાં આંગડિયા પેઢીના વેપારી સાથે લૂંટ થઇ હોવાનું સામે આવ્યું છે. અહીં ધોળાદિવસે ૧૩લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થતા લૂંટારા CCTV માં કેદ થયા છે. શહેરની મધ્યમાં આવેલા જલારામ મંદિર પાસે આંગડિયા પેઢીના વેપારી પાસેથી બેગની લૂંટ કરીને લૂંટારુઓ ટુ-વ્હીલર પર ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના માલિક પાસેથી ૧૩ લાખ રૂપિયા લૂંટીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. ગડુ ખાતે વી. પટેલ નામની આંગડિયા પેઢી ચલાવતા પ્રફુલ્લ ગોટેચા સાથે લૂંટની ઘટના બની. એક્ટિવા પર આવેલા શખ્સો થેલો ઝૂંટવી નાસતા સીસીટીવીમાં કેદ થયા હતા. મહત્વનું છે કે આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ દિવસોમાં લૂંટના બનાવોમાં વધારો થયો છે. રોજેરોજ લોકોને લૂંટતા અસામાજિક તત્વોનો જુસ્સો સાતમા આસમાને હોય તેમ લાગી રહ્યું છે. જો કે આ તત્વો તેમના ગુનાઓથી પોલીસને પડકાર ફેંક્તા હોય છે પરંતુ પોલીસ આવા તત્વો સામે કેવી રીતે કાયદાનો સકંજો ક્સે છે તે જોવું રહ્યું.