જુનાગઢ : ચોરવાડના યુવાનની સુસાઈડ નોટમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના નામનો ઉલ્લેખ

જુનાગઢ: ચોરવાડના નીતિન પરમાર નામના યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે. મૃતક યુવકે લખેલી સુસાઈડ નોટમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ પણ સામે આવ્યુ છે. મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મારા મોત માટે ત્રણ લોકો જવાબદાર છે. આ ત્રણ જણાના હિસાબે મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આવે છે. આ જ કારણે યુવકે જીવન ટૂંકાવ્યું. મૃતક નીતિન પરમારની સુસાઈડ નોટમાં વિમલ ચુડાસમા અને અન્ય બે વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે. ધારાસભ્યનું નામ લખી યુવકે પંખે લટકી જઈ આત્મહત્યા કરી લીધી. જો કે ધારાસભ્ય આ આત્મહત્યાને હત્યા ગણાવી રહ્યા છે. ત્યારે યુવકના મોતનુ રહસ્ય વધુ ઘેરુ બન્યુ છે.

સુસાઈડ નોટ સામે આવ્યા બાદ પોતાના બચાવમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યુ કે મૃતક યુવક તેના માસીનો દીકરો હતો. ધારાસભ્યે યુવકના મોતમાં પોતે જવાબદાર હોવાના આરોપને ફગાવતા કહ્યુ કે તેને ફસાવવા માટેનું કાવતરુ છે. મૃતક યુવક સાથે તે છેલ્લા બે વર્ષથી સંપર્કમાં નથી અને આ આત્મહત્યા નહીં પણ હત્યા લાગે છે. ધારાસભ્યએ તો એવી પણ શંકા વ્યક્ત કરી કે કોઈકે હત્યા કરી છે અને તેમને ફસાવી રહ્યા છે.

હાલ સમ઼ગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને યુવકના મૃતદેહને પેનલ પીએમ માટે મોકલી આપ્યો છે. સુસાઈડ નોટના આધારે પોલીસે પણ તપાસ તેજ કરી છે. જો કે હાલ તપાસ દરમિયાન જે સીસીટીવી સામે આવ્યા છે તેમા બ્લેક કલરની કારમાં અજાણ્યા શખ્સો યુવકને લઈને નાસસી જતા દેખાયા છે. ત્યારે પોલીસ એ એંગલથી પણ તપાસ કરી રહી છે.