
જૂનાગઢ, શિવરાત્રી મહાપર્વને લઈ જુનાગઢ ખાતે ગિરનારની તળેટીમાં મેળાનો પ્રારંભ થઈ જવા પામ્યો છે. ત્યારે શ્રદ્ધાળુઓ તેમનાં પરિવાર સાથે મેળાનો આનંદ માણવા આવી રહ્યા છે. તો બીજી તરફ નાગા સાધુઓ પણ ધુણો ધકાવીને બેઠા છે. મોડી રાત સુધી ભાવિક ભક્તોની અવર જવરથી માર્ગ ધમધમતો રહ્યો હતો. ગુજરાત સહિત ભારતભરમાંથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવી ભજન તેમજ ભક્તિનો ભરપૂર આનંદ માણ્યો હતો. ત્યારે હજુ ત્રણ દિવસ ચાલનારા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મહાદેવનાં દર્શને આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. શિવરાત્રીની રાત્રે નાગા સાધુઓની રવાડીનાં દર્શન કરી ભક્તોએ અન્યતા અનુભવી હતી.
પ્રથમ દિવસે મેળામાં આશરે દોઢથી બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ત્યારે કડકડતી ઠંડી વચ્ચે પણ લોકો બાળકો તેમજ પરિવારજનો સાથે મેળો માણવા પહોંચ્યા હતા. મેળામાં ખાણીપીણીનાં સ્ટોલ, રમકડાનાં સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તો બીજી તરફ ભાવિક ભક્તોએ ભવનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ મેળામાં ભાવિકોએ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ન વાપરવા પણ અપીલ કરી છે. આ મેળ ગુજરાત સહિત વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ છે.
મહાશિવરાત્રીના મેળામાં છ દિવસ સુધી ધામક્તાની રંગત જોવા મળતા હોય છે. જેમાં દેશભરના સાધુઓ જોડાઈ છે. મેળામાં દિગમ્બર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.જે ધૂણી ધખાવીને ભવનાથમાં શિવભક્તોને દર્શન આપે છે. ત્યારે આ વખતે શિવરાત્રિના મેળામાં દિગમ્બર સાધુઓ અવનવા રંગરૂપમાં જોવા મળ્યા. કોઈ ચહેરા પર ગોગલ્સમાં તો કોઈ ચલમ ફુંક્તા જોવા મળ્યા.
જેટલું મહત્વ કુંભ મેળાનું છે, તેટલું જ મહત્વ મહાશિવરાત્રિના મેળાનું છે. મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે દિગમ્બર સાધુઓનું સરઘસ રવેડી સ્વરૂપે નીકળે છે. જેમાં સાધુઓ અંગ ક્સરતના દાવ, તલવાર બાજી જેવી અવનવા કરતબો કરે છે. એક લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્ર્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરમાં પાસે આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ સાધુ, સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. કહેવાય છેકે આ કુંડમાં ન્હાવા પડેલા અમુક સાધુઓ બહાર નથી આવતા અને ત્યાંથી જ અદ્રશ્ય થઈ જાય છે.આ એક માન્યતા છે. પરંતુ જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી.