જૂનાગઢ,
જૂનાગઢમાં લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે, ત્યારે પરિક્રમામાં વાનરની પજવણીની ઘટના સામે આવી છે. ટીખળખોર દ્વારા પૂંછડી પકડી વાનરની પજવણી કરવામાં આવી છે. ટીખળખોર દ્વારા કરવામાં આવેલી પજવણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઇ શકાય છે કે, સાથી વાનર દ્વારા ટીખળખોરનો સામનો કરવાનો પ્રયાસ કરાયો હતો. વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગ દ્વારા ટીખળખોરની શોધખોળ હાથ ધરાઇ છે. ટીખળખોર પકડાયા બાદ વનવિભાગ કાર્યવાહી કરશે.
જૂનાગઢમાં લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. સાધુ સંતોની હાજરીમાં પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. ભવનાથ વિસ્તારમાં આવેલા મહંત ઈન્દ્રભારતીના ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. કારતક સુદ એકાદશીએ શરૂ થતી આ પરિક્રમા પૂનમના પૂર્ણ થાય છે. આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા એક દિવસ પહેલા જ અનેક લોકોને પરિક્રમા માટે પ્રવેશ અપાયો હતો.
પરિક્રમાના રૂટ પર વોકી ટોકી સાથે ૧૬ જેટલી રાવટીઓ ઉભી કરી દેવામાં આવી છે. જેમાં ૨૪ કલાક સ્ટાફ તૈનાત રહે છે. સાથે ૧૨૦૦ પોલીસકર્મીઓ અને ૧૪૦ અધિકારીઓ સહિત કુલ ૨૫૦૦ જેટલા કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત છે. લોકોને પણ શાંતિપૂર્વક પરિક્રમા પૂર્ણ કરવા અને જંગલમાં પ્લાસ્ટિક ન ફેંકવા અનુરોધ કરાયો છે. પર્યાવરણનું જતન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, જૂનાગઢમાં પ્રતિવર્ષ યોજાતી ગીરનારની લીલી પરિક્રમામાં લાખો ભાવિકો ઉમટે છે અને અતિ કઠીન એવી ૩૬ કિલોમીટરની પગપાળા યાત્રા પૂર્ણ કરે છે. પુરાણ પ્રસિદ્ધ લીલી પરિક્રમાનું ખૂબ ધમક મહત રહેલું છે અને આજે પણ પૂરા ભક્તિભાવથી યાત્રા ગીરનાર અભયારણ્યમાં યોજાય છે. લાખો ભાવિકો ત્રણ રાત અને ચાર દિવસ ચાલી ત્રણ અતિ દુર્ગમ એવી ઘોડી પસાર કરી યાત્રા પૂર્ણ કરે છે. જોવા જઈ તો ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ દેવ દિવાળીથી થાય છે, પણ ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં આવતા તંત્ર દ્વારા એક દિવસ પહેલા જંગલના ગેટ ખોલી પરિક્રમા વહેલી શરુ કરાઇ છે.