રાજકોટ,
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવ વધવા પામ્યા છે.નાનામવા રોડ પર એક સ્કૂલ બસના ચાલકે એક્ટિવાને ઠોકરે લઈ ચાલક યુવકને કચડી માર્યો હતો.તેમજ બેડી યાર્ડ પાસે પણ પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.ત્યારે રાજકોટના જુના યાર્ડ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યાં એક્ટિવા અને તેની સામે આવી રહેલા બાઇક સામસામે અથડાતા એક્ટિવા ચાલક પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો મુજબ,આજે વહેલી સવારે જુના માર્કેટીંગ યાર્ડ પાસે એક્ટિવા અને બાઇક સામસામે અથડાયા હતા જેમાં એક્ટિવા ચાલક દલસુખભાઈ આંબાભાઈ ગોવાણી (ઉ.વ.૫૭) (રહે.આજીડેમ ચોકડી પાસે મંછાનગર)ને શરીરે ગંભીર ઇજા થતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે બાઇકના ચાલક ધવલ ભરતભાઈ સાકરીયા(ઉ.વ.૨૦)(રહે.સોરઠીયાવાડી-૧) અને હર્ષ વિજય નકુમ(ઉ.વ.૧૯)(રહે.કુવાડવા રોડ ડીમાર્ટ પાસે)ને ઇજા થતાં તેઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
દલસુખભાઈ ત્રણ બહેન અને બે ભાઈમાં મોટા છે.તેઓને બે પુત્ર બે પુત્રી છે.તેઓ સેન્ટિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.તેઓના મોતથી પરિવારમાં શોક છવાયો છે.જ્યારે સામાપક્ષે હર્ષ બહારગામથી આવ્યો હોય તેમણે મિત્ર ધવલને ફોન કરી ઘરે મૂકી જવાનું કહેતા ધવલ તેમના મિત્ર હર્ષને બાઇક પર ઘરે મુકવા જતો હતો ત્યારે સવારે અકસ્માત સર્જાયો હતો.ધવલ બે ભાઈમાં મોટો હોવાનું માલુમ પડ્યું છે.આ અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.