સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશીપમાંથી વધુ એકવાર મસમોટુ જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીનગર સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રંગીલા ટાઉનશીપમાં ચાલતા જુગારમધામનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી. ટાઉનશીપની ટેરેસ પર તાલપત્રી બાંધી ચાલતા જુગારધામના સ્થળ પરથી ઈન્જેકશન, કોન્ડમ અને બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા. પોલીસે 40 જુગારીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જો કે, એક જુગારી પોલીસને જોઈ કૂદી પડતા ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે.
મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશિપના ચોથા માળે ટેરેસ પર જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેથી આજે અલગ અલગ ટીમ બનાવીને રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ પર ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. રંગીલા ટાઉનશિપના ચોથા માળે ટેરેસ પર તાલપત્રી બાંધીને જુગાર ધામ ચલાવવામાં આવતું હતું.
લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશીપની જર્જરિત બિલ્ડીંગ જ આખી જુગારધામ સહિતના ગોરખધંધા માટે કુખ્યાત છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 40થી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ એક સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ નીચે કૂદી ગયો હતો. જેથી તેને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને પોલીસ દ્વારા પકડીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા ટેરેસ પર તપાસ હાથ ધરવામાં આવતા બિયરના ખાલી ટીન, કોન્ડમ અને ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા. જેથી અહીં જુગારીઓ માટે જુગારની સાથે નશાની પણ વ્યવસ્થા કરાતી હોવાનું સામે આવ્યું છે.સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ આરોપીઓની ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ બે લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન આ આંકડો વધી શકે છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં રંગીલા ટાઉનશિપના ચોથા મળે ટેરેસ પર કુખ્યાત સન્ની જુગારધામ ચલાવતો હતો. જર્જરિત બિલ્ડીંગના ટેરેસ પર બામ્બુ વડે પ્લાસ્ટિક બાંધી જુગારધામ ચલાવાઇ રહ્યું હતું. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી સન્ની ફરાર થઈ ગયો છે. લીસ્ટેડ જુગારધામ ચલાવનાર સન્ની સામે ભૂતકાળમાં અનેક ગુના નોંધાયા છે. આ સાથે લિંબાયત પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે સવાલ પણ ઉભા થયા છે.