જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર થઇ રહી છે; ૮૦૦થી વધુ ઈમારતોમાં તિરાડો, ૧૬૫ ડેન્જર ઝોન

જોશીમઠ,

હિમાલયની ગોદમાં વસેલું જોશીમઠ હાલમાં મોટી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ઉત્તરાખંડના જોશીમઠમાં હજુ પણ જમીન ડૂબતી જોવા મળે છે. જમીન, મકાનો, ઈમારતો તોડવાનું કામ ચાલુ છે. જોશીમઠમાં અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ ઈમારતોમાં તિરાડ પડી ગઇ છે. દિવસેને દિવસે અહીંની સ્થિતિ વધુ વણસી રહી છે. અહેવાલ મુજબ જોશીમઠમાં સોમવાર સુધીમાં ૮૪૯ ઈમારતોમાં તિરાડ પડી છે. ઘણી જગ્યાએ જમીનમાં તિરાડો પણ પડી ગઈ છે. જેને કારણે અહીંના નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇસરો દ્વારા થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવેલી જોશીમઠની સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ થાય છે કે જોશીમઠ દિવસેને દિવસે કેવી રીતે બગડી રહ્યું છે. આ તસવીરો સેટેલાઇટ દ્વારા લેવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર જોશીમઠમાં અત્યાર સુધીમાં ૮૪૯ ઈમારતોમાં તિરાડ જોવા મળી છે. તેમાંથી ૧૬૫ બિલ્ડીંગો ડેન્જર ઝોનમાં છે. તેમજ અત્યાર સુધીમાં ૨૩૭ પરિવારોના ૮૦૦ જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

જોશીમઠ ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં ૬૧૫૦ ફૂટની ઉંચાઈ પર આવેલું છે. જોશીમઠ એ હિન્દુઓ માટે સૌથી પવિત્ર ચારધામોમાંના એક બદ્રીનાથનું પ્રવેશદ્વાર છે. આ ગામમાં ૨૦ હજારની વસ્તી છે.

સત્તાવાર માહિતી મુજબ ઉત્તરાખંડ સરકાર દ્વારા ૧૯૦ અસરગ્રસ્ત પરિવારોને સહાય તરીકે ૨.૮૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૩૭ પરિવારોના ૮૦૦ સભ્યોને અસ્થાયી રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇમારતો પર ક્રેક મીટર લગાવવામાં આવ્યા છે અને થયેલા નુક્સાનનું આકલન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૪૦૦ મકાનોના નુક્સાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.