- ફરી એક વખત મકાનોમાં તિરાડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાય ગયો છે.
જોશીમઠ,ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડનો ખતરો હજુ ટળ્યો નથી. સતત વરસાદ અને હિમવર્ષા વચ્ચે સામે આવેલા આ ખતરાથી ઉત્તરાખંડમાં ગભરાટનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોની માહિતીના આધારે વહીવટી ટીમે સર્વે બાદ અહીં સતર્કતા વધારી છે. સર્વે બાદ પ્રશાસન એ આ ઈમારતને યલો ઝોનમાં મૂકી દીધી છે. જોશીમઠના ગાંધીનગરમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે. જે ઈમારતમાં નવી તિરાડો જોવા મળી છે, તેની આસપાસની ઈમારતોમાં પહેલાથી જ તિરાડો દેખાઈ રહી છે અને પ્રશાસને આ મકાનો પર લાલ કલરના સ્ટીકર લગાવી દીધા છે.
અગાઉ પણ ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડો પડવાનો ડર ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થયો હતો અને આ વર્ષે જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. તે સમયે જોશીમઠના સુનીલ, મનોહર બાગ, સિંહધાર ઉપરાંત ગાંધીનગર, રવિગ્રામ અને મારવાડી વોર્ડમાં આ તિરાડો જોવા મળી હતી. કેટલીક જગ્યાએ આ તિરાડો જોખમી હતી, તો કેટલીક જગ્યાએ સામાન્ય જોવા મળી હતી. જો કે હાલમાં તે પછી પ્રશાસને ખતરો ટળી ગયો હોવાનો દાવો કર્યો હતો.
ફરી એક વખત મકાનોમાં તિરાડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાય ગયો છે. આ સમયે પણ આ તિરાડો જોશીમઠના ગાંધીનગર વોર્ડમાં રહેતા વીરેન્દ્ર લાલ તમતાના નવા ભવનમાં જોવા મળી છે. તેના ભાઈ નરેન્દ્ર લાલના કહેવા પ્રમાણે, બે દિવસ પહેલા સુધી તેના ઘરમાં ક્યાંય તિરાડ ન હતી. આની પહેલા પ્રશાસને તેમના ઘરને સુરક્ષિત જાહેર કર્યું હતું, પરંતુ હવે તેમના ઘર પર પીળા કલરનું સ્ટીકર લગાવવામાં આવ્યું છે. બીજી બાજુ, જોશીમઠના એસડીએમ કુમકુમે જણાવ્યું કે તેમને નવી તિરાડો વિશે માહિતી મળી ચૂકી છે અને સર્વે કરવાનો આદેશ આપ્યો છે.
તેમણે કહ્યું કે હાલમાં આ ઘર પર પીળા કલરનું સ્ટીકર લગાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જો કોઈ પણ જગ્યાએથી ખતરો અનુભવાય છે, તો તરત જ તે ઘરમાં રહેતા પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવશે. તમને જણાવી દઈએ કે જોશીમઠમાં હવામાન સતત ખરાબ થઈ રહ્યું છે અને આગામી એક સપ્તાહ સુધી તેમાં સુધારાની શક્યતા ઓછી છે. આજે બુધવાર અને આવતીકાલે ગુરુવારે હળવા વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. અહીં લઘુત્તમ ન્યૂનત્તમ તાપમાન ૯ ડિગ્રીની આસપાસ છે જ્યારે મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રીની આસપાસ છે. આગામી સપ્તાહ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.