જોસ બટલરે તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, ટી ૨૦માં ૧૦,૦૦૦ રન બનાવનાર ૯મો ક્રિકેટર બન્યો

મુંબઇ, હાલના દિવસોમાં ઈંગ્લેન્ડમાં ટી ૨૦ બ્લાસ્ટ રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં દરરોજ કોઈને કોઈ રેકોર્ડ બને છે અથવા તોડવામાં આવે છે. દરમિયાન બુધવારે ઇંગ્લેન્ડના જોસ બટલરે ૮૩ રનની તોફાની ઇનિંગ રમીને ભારતીય કેપ્ટન રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. શુક્રવારે રાત્રે લેક્ધેશાયર તરફથી રમતા જોસ બટલરે ડર્બીશાયર સામે માત્ર ૩૯ બોલમાં ૮૩ રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી ૮ ચોગ્ગા અને ૬ છગ્ગા નીકળ્યા હતા. શરૂઆતથી જ, બટલરે બોલરો પર પ્રભુત્વ જમાવ્યું અને મેદાનની ચારે બાજુ મોટા શોટ રમ્યા.

૮૩ રનની ઇનિંગ સાથે બટલરે ટી ૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂરા કર્યા. આ ફોર્મેટમાં આવું કરનાર તે વિશ્ર્વનો ૯મો ક્રિકેટર બન્યો છે. તેણે બ્રેન્ડન મેક્કુલમને પાછળ છોડી દીધો છે. મેક્કુલમના ટી ૨૦ ક્રિકેટમાં ૯૯૨૨ રન છે.ટી ૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન પૂરા કરવામાં જોસ બટલરે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ ટી૨૦માં આ આંકડો પૂરો કરવા માટે ૩૬૨ ઇનિંગ્સ લીધી હતી. જ્યારે બટલરે હવે તેને પાછળ છોડી દીધો છે. આ સાથે તે ટી ૨૦માં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન પૂરા કરનાર ઈંગ્લેન્ડનો પ્રથમ ક્રિકેટર પણ બની ગયો છે.

ટી ૨૦માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

૧. ક્રિસ ગેલ  ૧૪૫૬૨ રન

૨. શોએબ મલિક  ૧૨૫૨૮ રન

૩. કિરોન પોલાર્ડ  ૧૨૧૭૫ રન

૪. વિરાટ કોહલી  ૧૧૯૬૫ રન

૫. ડેવિડ વોર્નર  ૧૧૬૯૫ રન

૬. એરોન ફિન્ચ  ૧૧૩૯૨ રન

૭. એલેક્સ હેલ્સ  ૧૧૨૧૪ રન

૮. રોહિત શર્મા  ૧૧૦૩૫ રન

૯. જોસ બટલર  ૧૦૦૮૦ રન.