નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ૨૨ એપ્રિલની વહેલી સવારે ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન વાવાઝોડું અને જોરદાર પવનો પણ આવ્યા, જેના કારણે હવામાનનો પ્રવાહ સંપૂર્ણપણે બદલાઈ ગયો. સારા વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. સવારે પણ આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. જેના કારણે વરસાદની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે ૨૨ અને ૨૩ એપ્રિલે પહેલાથી જ ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આકાશ આંશિક વાદળછાયું રહેશે અને તેજ પવન સાથે ઝરમર ઝરમર વરસાદની શક્યતા છે. તાપમાનની વાત કરીએ તો આજે લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીએ પહોચ્યું હતું.આગામી દિવસોની વાત કરીએ તો એપ્રિલના અંત સુધી વાતાવરણ આવું જ રહેશે. જોરદાર પવન અહીં ચાલુ રહેશે અને વાદળોની અવરજવર ચાલુ રહેશે.
૨૩ એપ્રિલે દિલ્હીના લઘુત્તમ તાપમાનમાં એક પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે. જો કે મહત્તમ તાપમાનમાં એક પોઈન્ટનો વધારો થઈ શકે છે. ૨૪ એપ્રિલથી ૨૬ એપ્રિલની વચ્ચે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો કે, ૨૫મી એપ્રિલ અને ૨૭મી એપ્રિલે ભારે પવનની ગતિવિધિઓ રચાઈ રહી છે. એટલે કે એકંદરે દિલ્હીમાં દિવસ દરમિયાન ગરમી રહેશે અને સવાર-સાંજ સારું વાતાવરણ રહેશે અને હાલ આકરી ગરમીમાંથી રાહત મળશે.
તમને જણાવી દઈએ કે પશ્ર્ચિમ હિમાલય પર એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ઘણા રાજ્યોના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. શ્રીનગર-લદ્દાખ રોડ અને ઝોજિલા ટોપ પર પણ તાજી હિમવર્ષા થઈ છે. જો કે, દેશના ઘણા રાજ્યો પણ આકરી ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. જેમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, યુપી અને વિદર્ભના ઘણા ભાગો સામેલ છે.
અલ નીનોની નબળી સ્થિતિ વચ્ચે, હવામાન વિભાગે અગાઉ એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન ભારે ગરમીની ચેતવણી આપી હતી. આ સમયે દેશમાં લોક્સભાની ચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૧૯ એપ્રિલે મતદાન થયું હતું. હવામાન કચેરીએ જણાવ્યું છે કે એપ્રિલમાં દેશના વિવિધ ભાગોમાં ચારથી આઠ દિવસ હીટ વેવ રહેવાની શક્યતા છે, જ્યારે સામાન્ય રીતે એકથી ત્રણ દિવસ હીટ વેવના દિવસો હોય છે. સામાન્ય ચારથી આઠ દિવસની સરખામણીએ સમગ્ર એપ્રિલ-જૂન સમયગાળામાં ગરમીનું મોજું ૧૦ થી ૨૦ દિવસ સુધી રહેવાની ધારણા છે. જે વિસ્તારોમાં મોટી સંખ્યામાં હીટ વેવ દિવસો જોવાની આગાહી કરવામાં આવી છે તેમાં મયપ્રદેશ, ગુજરાત, ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠવાડા, બિહાર અને ઝારખંડનો સમાવેશ થાય છે. કેટલાક સ્થળોએ, ગરમીની લહેર ૨૦ દિવસથી વધુ ચાલી શકે છે.ભારે ગરમી પાવર ગ્રીડ પર દબાણ લાવી શકે છે અને પરિણામે ભારતના કેટલાક ભાગોમાં પાણીની અછત સર્જાઈ શકે છે.આઇએમડી સહિતની વૈશ્વિક હવામાન એજન્સીઓ પણ વર્ષના અંત સુધીમાં લા નીનાની સ્થિતિની અપેક્ષા રાખી રહી છે.