જો હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણી થાય તો આપ તમામ ૭૦ સીટો જીતશે,સિસોદિયા

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ મોટો દાવો કર્યો છે. તેમણે શનિવારે કહ્યું હતું કે જો હવે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થાય તો તેમની પાર્ટી તમામ ૭૦ બેઠકો જીતી લેશે. રાજેન્દ્ર નગર વિધાનસભા મતવિસ્તારમાં તેમના પદયાત્રા પ્રચાર દરમિયાન, દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને પણ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા અને તેમના અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર તેમને બનાવટી કેસોમાં જેલમાં ધકેલી દેવાનો આરોપ મૂક્યો હતો.

શહેરના વિવિધ ભાગોમાં તેમના પ્રચાર દરમિયાન તેમને મળેલા સ્નેહને યાદ કરતાં સિસોદિયાએ કહ્યું, જો હવે ચૂંટણીઓ યોજાય તો, આમ આદમી પાર્ટી તમામ ૭૦ વિધાનસભા બેઠકો જીતશે અને કુલ મતોના ૭૦ ટકા મેળવશે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં,આપેે ૭૦ માંથી ૬૨ બેઠકો જીતી હતી, પરંતુ તાજેતરની લોક્સભા ચૂંટણીમાં, તે રાષ્ટ્રીય રાજધાનીમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યું ન હતું.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ બાદ તિહાર જેલમાં ૧૭ મહિના ગાળ્યા બાદ આ મહિનાની શરૂઆતમાં મુક્ત થયેલા સિસોદિયાએ કહ્યું હતું કે, ભાજપના લોકો મારા પ્રત્યેના લોકોના પ્રેમ અને લાગણીથી નારાજ હતા. તેમણે કહ્યું, જ્યારે હું બહાર આવ્યો તો બીજેપીના લોકો કહેવા લાગ્યા કે આ મનીષ સિસોદિયા હસતા હસતા બહાર આવ્યા છે. હું હસતો હસતો બહાર આવ્યો, કારણ કે મેં કંઈ ખોટું કર્યું નથી. વરિષ્ઠ છછઁ નેતાએ કહ્યું કે તેઓ જેલમાંથી વધુ મજબૂત રીતે બહાર આવ્યા છે કારણ કે તેમણે કોઈ ખોટું કર્યું નથી અને એ પણ કારણ કે તેમની અને કેજરીવાલની ધરપકડ અને જેલવાસ છતાં પાર્ટી એકજૂટ રહી હતી.

સિસોદિયાએ આરોપ લગાવ્યો કે ભાજપે મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સહિત ઘણી સરકારોને પછાડી અને તેમના નેતાઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન મોકલીને પક્ષોને તોડી નાખ્યા, પરંતુ આમ આદમી પાર્ટી ન તો તૂટી કે ન ઝૂકી. તેમણે કહ્યું, આ દિલ્હીવાસીઓની તાકાત છે, જેઓ અરવિંદ કેજરીવાલને ખૂબ પ્રેમ કરે છે. તે પણ ખૂબ જ જલ્દી આપણી વચ્ચે હશે.