અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરૂવારના રોજ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ‘અમેરિકા ફાઈઝર પાસેથી 50 કરોડ વેક્સિન ખરીદશે અને 92 ઓછી તથા મધ્યમ આવકવાળા દેશ અને આફ્રિકન દેશોને દાન કરશે.’ આ ઐતિહાસિક નિર્ણયથી સમગ્ર વિશ્વને કોરોના સામેની લડાઈ લડવામાં મદદ મળશે.
લોકોના જીવ બચાવવા અને કોરોના મહામારીનો અંત લાવવા એ આ દાનનો હેતુ
બાઈડન યુરોપની પોતાની પ્રથમ વિદેશ યાત્રાએ બ્રિટન પહોંચ્યા છે. તેમણે વિશ્વના અન્ય લોકતાંત્રિક દેશોને વેક્સિનેશન મામલે મદદ કરવાની વાત કહી હતી. આ દાનનો હેતુ લોકોના જીવ બચાવવા અને કોરોના મહામારીનો અંત લાવવાનું હોવાનું તેમણે જણાવ્યું હતું. અમેરિકા આ વેક્સિન ઓગસ્ટ 2021થી સપ્લાઈ કરશે. આ વર્ષે 20 કરોડ ડોઝ દેશોને સપ્લાઈ કરાશે, જ્યારે બાકીના 30 કરોડ ડોઝ 2022ના પ્રારંભિક 6 મહિનામાં સપ્લાઈ કરાશે.