જો તમને કોઈ યોગ્ય પાર્ટનર ન મળતો હોય તો પોતાને પ્રેમ કરો,ઝીનત અમાન

મુંબઇ, ઝીનત અમાને ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે યુવાઓને ખાસ સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે રિલેશનમાં ખૂબ કાળજી રાખવી જોઈએ. સાથે જ ડેટિંગ ટિપ્સ પણ આપી હતી. ડેટિંગ ઍપ બમ્બલે યુવાઓને સલાહ આપવાની વિનંતી તેમને કરી હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઝીનત અમાને કૅપ્શન આપી હતી, ’ડિયર બમ્બલ, મારા જેવી એકલી રહેતી વ્યક્તિ પ્રેમ વિશે શું કહી શકે?

જોકે ખરું કહું તો હું નક્કી નથી કરી શક્તી કે આ કૅપ્શન લખવી એ બ્રિલિયન્ટ છે કે મૂર્ખતા છે કે પછી એ થોડું રુડ છે. સરળ શબ્દોમાં એનો તર્ક આપું તો સફળતાની સરખામણીએ નિષ્ફળતા સારો શિક્ષક હોય છે. એથી કદાચ એકાદ-બે સલાહ આપવા માટે હું સક્ષમ છું.’

રિલેશનશિપ વિશે સલાહ આપતાં ઝીનત અમાને આગળ કૅપ્શન આપી હતી કે ‘કોઈ પણ રિલેશનના શરૂઆતના થોડા મહિના એવા હોય છે કે તમે બધું ભૂલીને એ વ્યક્તિ પાછળ પાગલ થઈ જાઓ છો. એ સમયે ?તમને જે-તે વ્યક્તિ તરફ આકર્ષણ કહો કે પછી લસ્ટ, એ હોય છે એને પ્રેમ સમજવાની ભૂલ ન કરતા. જો તમારી ફૅમિલી તમારા રિલેશનનો કાસ્ટ, ક્લાસ, ધર્મ, જેન્ડર કે પછી અન્ય કારણોસર વિરોધ કરે તો તેમને ચૅલેન્જ આપો. જોકે જો તેમને કોઈ ખરા કારણસર તમારા પાર્ટનર ન પસંદ હોય તો તેમને ધ્યાનથી સાંભળો. હું એમ નથી કહેતી કે એ અગત્યનું છે, પરંતુ હું એટલા માટે કહું છું કેમ કે ઘણી વખત આપણો પરિવાર એ ભ્રામક દૃષ્ટિકોણથી જોઈ શકે છે. મેં એકાદ-બે એવાં ઉદાહરણ જોયાં છે જેમાં એમ કહેવામાં આવે છે કે કદાચ મેં મારી મમ્માની વાત સાંભળી હોત તો સારું હતું.’

આ વિશે વધુ જણાવતાં ઝીનત અમાને કહ્યું હતું કે ‘લાંબા ગાળે ગ્રેટ સેક્સ, બૅક્ધ-અકાઉન્ટમાં અઢળક પૈસા અને મીઠી વાતો એ બધું નિરર્થક છે જો તમને એકમેકનો સથવારો પસંદ ન હોય. એનો અર્થ એવો નથી કે સેક્સ અને પૈસા જરૂરી નથી, પરંતુ મનમેળાપ હોવો ખૂબ અગત્યનું છે. તમામ પડકારોની સામે પોતાની જાતને ટકાવી રાખો. જો તમારો પાર્ટનર તમને કોઈ પણ રીતે બદલવા માગતો હોય તો તે તમને પ્રેમ નથી કરતો. તેમને તમારા પર નિયંત્રણ લાવવું ગમે છે. સાથે જ એક વાતની ખાતરી રાખો કે તમે આથક રીતે સધર હો. રિલેશનશિપ તમારી પસંદની હોવી જોઈએ, ન કે સ્થિતિ પ્રમાણે. તમામ રિલેશનશિપ્સ સફળ થાય છે. તમારી પાર્ટનરશિપમાં તમે જ્યારે એકદમ કમ્ફર્ટેબલ થઈ જાઓ ત્યારે તમારું ખરાબ વર્ઝન બહાર આવવાના ચાન્સ વધી જાય છે. સાવધાન રહો. તમારો પાર્ટનર તમારા પ્રેમનો ૠણી નથી. સૌથી અગત્યનું તમારી જાતના ૠણી બનો અને એ રિલેશન વર્ષોનાં વર્ષો સુધી ટકી રહેશે. બમ્બલ, હું પોતાની જાતને ડેટ કરી રહી છું. પાર્ટનર તમારા માટે તમારી મનગમતી વસ્તુ કરી શકે છે એથી મને જે વસ્તુ ગમે છે હું એ બધું કરું છું, પરંતુ અન્ય વ્યક્તિના ગૅસ અને તેનાં નસકોરાંનો ત્રાસ અનુભવ્યા વગર. આ મારું માનવું છે. પ્રેમમાં કોઈ આપલે ન હોય. જો તમને કોઈ યોગ્ય પાર્ટનર ન મળતો હોય તો પોતાને પ્રેમ કરો.’