વડોદરા,ગુજરાતમાં લોક્સભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત થઈ છે. જેમાં વાઘોડિયાની ખાલી પડેલી બેઠક પર પણ ચૂંટણી યોજાશે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે. ત્યારે આવામાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યે ચૂંટણીમાં સક્ષમ ઉમેદવારને સમર્થન આપવાની બતાવી તૈયારી બતાવી છે. ચૂંટણી જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ચૂંટણીની ચર્ચા વચ્ચે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોક્સભા-વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી લડીશ. સક્ષમ ઉમેદવાર હશે તો ખુલીને સમર્થન કરીશ. સાંસદ રંજનબહેન ભટ્ટનો ખુલીને વિરોધ કરીશ. રંજનબહેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો, બિલ્ડિંગો બની, માનીતાઓને કોન્ટ્રાક્ટ અપાયા છે. જીતી શકે તેવું જ લડવાનું હારે તો ચૂંટણી નહીં લડવાની. બજરંગ બલીના મારા પર આશીર્વાદ છે.
પેટાચૂંટણીમાં વાઘોડિયાની બેઠક પરથી ચૂંટણી યોજાશે. ગત વિધાનસભા ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ભાજપથી બળવો કરનાર મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ આપી ન હતી. તેથી મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા.
તો બીજી તરફ, ભાજપ આજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. આજે સાંજ સુધીમાં યાદી જાહેર થઈ શકે છે. ગુજરાતની ૪ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત હજી પણ બાકી છે. ભાજપે ગુજરાતમાં ૨૨ ઉમેદવારોની જાહેરાત કરી છે. પંરતું મહેસાણા, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર પર નામની જાહેરાત બાકી છે. મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં કોકડું ગૂંચવાયું છે. મહેસાણા, અમરેલીમાં મહિલા ઉમેદવારને ટિકિટ મળી શકે છે. તો મહેસાણામાં તૃષા પટેલનું નામ ટિકિટ માટે ચર્ચામાં છે. અમરેલીમાં ભાવના ગોંડલિયા તથા હિરેન હીરપરાના નામ ચર્ચામાં છે. તો સુરેન્દ્રનગર બેઠક પર કારડિયા રાજપૂત કે કોળી સમાજને ટિકિટ મળી શકે છે. જૂનાગઢમાં નવો ચહેરો ના મળે તો રાજેશ ચુડાસમા રિપીટ થઈ શકે છે. પહેલી યાદીમાં ભાજપે ૧૯૫ ઉમેદવારોની અને બીજી યાદીમાં ભાજપે ૭૨ ઉમેદવાર જાહેર કર્યા હતા.