જો પુતિન યુક્રેન યુદ્ધનો અંત લાવવા માંગે તો વાટાઘાટો કરવા તૈયાર’ : મેક્રોન અને બિડેનનું સંયુક્ત નિવેદન

’વોશિગ્ટન,

છેલ્લ નવ મહિના કરતા વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુએસ પ્રમુખ જો બિડેન અને ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેન પર સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું હતું કે જો પુતિન આક્રમણને સમાપ્ત કરવા ઈચ્છે તો તેઓ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરશે. જો કે, પુતિને યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી, બિડેને તેની સાથે વાત કરવાનો હંમેશા વિરોધ જ નોંધાવ્યો હતો.

પત્રકાર પરિષદને સંબોધતા બિડેને કહ્યું કે હવે શું કરવું તે જાણવા માટે હું તેમની સાથે વાત કરવા તૈયાર છું. જો કે, બિડેને કહ્યું હતું કે તે ફક્ત તેના નાટો સહયોગીઓ સાથે પરામર્શ કરીને આવું કરશે અને યુક્રેનના હિતોને નુક્સાન થાય તેવું કંઈપણ કરશે નહીં. તેમણે કહ્યું કે હું મારી જાતે આવું કરવાનો નથી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં આક્રમણ અને ત્યાં સેના દ્વારા કરવામાં આવેલા અત્યાચાર માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું.

મેક્રોને કહ્યું કે તે હુમલાને રોકવા અને પરમાણુ સુવિધાઓની સુરક્ષા માટે પુતિન સાથે વાત કરવાનું ચાલુ રાખશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બિડેન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની પ્રથમ રાજ્ય મુલાકાતનું આયોજન કરી રહ્યા છે. યુક્રેનને સમર્થન આપવાનું વચન આપવા ઉપરાંત, બંને નેતાઓએ ઓવલ ઓફિસ વાટાઘાટોમાં કેટલાક આથક તણાવને હળવો કરવાના ઉપાયો શોધી કાઢ્યા હતા.

આ સાથે બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સામે ચીનના પડકાર અને માનવાધિકારોના સન્માન અને જળવાયુ પરિવર્તન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચીન સાથેના વ્યવહાર પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા પછી, ઇમેન્યુઅલ મેક્રોન મંગળવારે અમેરિકાની બીજી રાજ્ય મુલાકાત પર વોશિંગ્ટન પહોંચ્યા. જો કે બંને નેતાઓએ ઘણી વખત મુલાકાત કરી છે, પરંતુ આ સૌથી લાંબો સમય હતો જ્યારે બંને નેતાઓએ આટલો સમય સાથે વિતાવ્યો હતો.