નવીદિલ્હી,
ખ્યાતનામ શાયર, ગીતકાર અને ફિલ્મ પટકથા લેખક જાવેદ અખ્તરે મુસ્લિમ પર્સનલ લોને ખોટો ગણાવ્યો હતો. જાવેદ અખ્તરે કહ્યું કે, જો મુસલમાન પતિઓ એક સાથે ૪ લગ્ન કરી શકે, તો પછી મહિલાઓને પણ કેટલાય પતિ રાખવાનો હક મળવો જોઈએ. તેમણે કહ્યું કે, એકથી વધારે પત્ની રાખવાથી મહિલાઓ અને પુરુષની બરાબરની જાળવી શકાશે નહીં. જાવેદ અખ્તરે સ્પષ્ટ કહ્યું કે, એક સમયમાં એકથી વધારે લગ્ન કરવા દેશના કાયદા અને સંવિધાનના નિયમોની બિલકુલ વિરુદ્ધમાં છે.
એક ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે કહ્યું કે, કોમન સિવિલ કોડનો અર્થ ફક્ત એ નથી કે, તમામ સમુદાય માટે એક કાયદો હોય, પણ તેનો અર્થ મહિલા અને પુરુષની વચ્ચે બરાબરી પણ હોય. બંને માટે એક જ માપદંડો હોવા જોઈએ. અખ્તરે કહ્યું કે, તેઓ પહેલાથી કોમન સિવિલ કોડનું પાલન કરી રહ્યા છે. જેના પણ દીલમાં મહિલા અને પુરુષના બરાબરીનો વિચાર હોય છે, તેને કોમન સિવિલ કોડમાં રહેવુ જોઈએ. તેમણે કહ્યું કે, તેઓ દીકરા અને દીકરીને સંપત્તિમાં એક્સરખો જ અધિકાર આપશે.
જાવેદ અખ્તરે કહ્યું કે, આજે દેશની સમસ્યા એ છે કે, દેશને સરકાર અને સરકારને દેશ માનવા લાગ્યા છે. સરકાર તો આવતી જતી રહેશે. પણ દેશ હંમેશા રહેશે. અખ્તરે કહ્યું કે, જો કોઈ સરકારનો વિરોધ કરે છે, તો તેને દેશદ્રોહી કહેવાય છે. જો કે આવું ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે, દેશનો મિજાજ બહુ પહેલાથી લોક્તાંત્રિક રહ્યો છે. હજારો વર્ષો પહેલા દેશના જનમાનસનો મિજાજ ઉદાર રહે છે, તે ક્યારેય કટ્ટરવાદી નથી રહ્યો. આજે જે રીતે કટ્ટરતાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, તે હિન્દુસ્તાનનો મિજાજ નથી.