ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયાને ઘણો સમય થઈ ગયો છે. જો કે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્ર્નો ઉભા થયા છે. ખાસ કરીને દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ તો ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભ્રષ્ટ હતી. હવે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. જેલમાં રહેલા ઇમરાને કહ્યું છે કે જો પાકિસ્તાનમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) હોત તો ચૂંટણીમાં આવો ભ્રષ્ટાચાર થયો ન હોત.
એક પત્રકાર સાથે વાત કરતી વખતે, અદિયાલા જેલમાં બંધ પીટીઆઈના સ્થાપકે કહ્યું, જો આજે ઈવીએમ હોત, તો મતદાનની ગેરરીતિના તમામ મુદ્દાઓ એક કલાકમાં ઉકેલાઈ ગયા હોત. ઈમરાને કહ્યું કે પાકિસ્તાનના ચૂંટણી પંચ, કેટલાક રાજકીય પક્ષો અને સંસ્થાઓએ દેશમાં ઈવીએમ દાખલ કરવાની યોજનાને બરબાદ કરી દીધી.
પત્રકારો સાથે વાત કરતી વખતે ઇમરાને કહ્યું કે સામાન્ય ચૂંટણીમાં જાહેર જનાદેશની ચોરી કરનારાઓ સામે દેશદ્રોહ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. ઇમરાને અમેરિકામાં આઇએમએફ ઓફિસની બહાર દેખાવોનું સમર્થન કર્યું હતું. જોકે, તેણે પાકિસ્તાની સેના વિરુદ્ધ લગાવેલા સૂત્રોચ્ચારથી પોતાને દૂર રાખ્યા હતા.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વિશે વાત કરતા ઇમરાને કહ્યું કે હાલની સરકાર માટે મુશ્કેલીમાં મુકાયેલી અર્થવ્યવસ્થાને સંભાળવી અશક્ય છે. તેમણે એ વાતનો પણ ઇનકાર કર્યો કે તેમની પાર્ટીએ આર્થિક સંકટમાં દેશ છોડી દીધો. ઈમરાન ખાને કહ્યું કે જ્યારે ૨૦૧૮માં પીએમએલ એનએ સરકાર છોડી ત્યારે વેપાર ખાધ ઇં૨૦ બિલિયન સુધી પહોંચી ગઈ હતી અને અમારી પાસે આઇએમએફ પાસે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.