જો પાકિસ્તાન કોઈપણ આઇસીસી ટૂર્નામેન્ટમાંથી ખસી જશે તો પાકિસ્તાન ક્રિકેટને ઘણું નુક્સાન થવાની શક્યતા છે : કનેરિયા

મુંબઇ,

એશિયા કપ ૨૦૨૩ હજુ દૂર છે, પરંતુ તે પહેલા ભારત અને પાકિસ્તાન આમને-સામને છે. જો કે ક્રિકેટના મેદાન પર બંને ટીમો વચ્ચે જંગ રોમાંચક હોય છે, પરંતુ આ વખતે બીસીસીઆઇ અને પીસીબી વચ્ચે શબ્દયુદ્ધ છે. જ્યારે બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે એજીએમ પછી જાહેરાત કરી હતી કે, ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન જઈ શકે નહીં, આવી સ્થિતિમાં ટુર્નામેન્ટનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવશે, ત્યારથી વાતાવરણ સર્જાયું છે કે, સમગ્ર પાકિસ્તાન અને પીસીપીમાં હંગામો મચી ગયો હતો. જોકે, પાકિસ્તાન એ પણ જાણે છે કે આઇસીસી ઈવેન્ટમાં ન જવું તેમના માટે કેટલું ઘાતક સાબિત થઈ શકે છે. હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે પણ પાકિસ્તાન માટે પણ કંઈક આવું જ કહ્યું છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાનું માનવું છે કે, જો પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવતા વર્ષે આઇસીસી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં જાય તો તેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જ નુક્સાન થશે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાને કોઈ ખોટ નથી જવાની. એશિયા કપ ૨૦૨૩ની યજમાની પાકિસ્તાનને આપવામાં આવી છે, પરંતુ બીસીસીઆઇએ સ્પષ્ટ કહ્યું છે કે, ભારતીય ટીમ એશિયા કપ ૨૦૨૩માં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય, જ્યારે પીસીબીના અયક્ષ રમીઝ રાજાએ આ અંગે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે, જો ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા નહીં આવે તો, પાકિસ્તાનની ટીમ પણ ભારત નહીં જાય.

દાનિશ કનેરિયાએ કહ્યું કે, પીસીબી ગમે તે કહે, પરંતુ આખરે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ માટે ભારત જશે, કારણ કે પાકિસ્તાન પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેણે એમ પણ કહ્યું છે કે પીસીબી દ્વારા પછીથી કહેવામાં આવશે કે, આઇસીસીનું દબાણ હતું અને પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પ નહોતો. જો પાકિસ્તાન કોઈપણ આઇસીસી ટૂર્નામેન્ટમાંથી ખસી જશે તો પાકિસ્તાન ક્રિકેટને ઘણું નુક્સાન થવાની શક્યતા છે. તેમણે એમ પણ કહ્યું કે, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ સુરક્ષાની ચિંતાઓને કારણે આવતા વર્ષે પાકિસ્તાનની મુલાકાત લેવાનો ઇનકાર કરી શકે છે. દાનિશ કનેરિયાએ કહ્યું કે, એશિયા કપમાં હજુ ઘણો સમય છે અને ત્યાં સુધી શું થશે તે કહેવું મુશ્કેલ છે. શક્ય છે કે, માત્ર ભારત જ નહીં, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પણ પાકિસ્તાન આવવાની ના પાડી શકે.

દાનિશે, જે પાકિસ્તાન માટે રમનાર માત્ર બીજો હિન્દુ ક્રિકેટર હતો, તેણે કહ્યું, પીસીબી પાસે આઇસીસી ઇવેન્ટ્સનો બહિષ્કાર કરવાની હિંમત નથી. બીજી તરફ, પાકિસ્તાન આવે કે ન આવે તેનાથી ભારતને કોઈ ફરક પડશે નહીં. તેમની પાસે ખુબ મોટું માર્કેટ છે, જેનાથી તેને ઘણી આવક આવે છે. વર્લ્ડ કપ માટે ભારત ન જવાથી પાકિસ્તાન પર ખરાબ અસર પડશે.બીસીસીઆઇએ કહ્યું છે કે, એશિયા કપ ૨૦૨૩નું આયોજન પાકિસ્તાન દ્વારા તટસ્થ સ્થળે થવું જોઈએ, જ્યારે પીસીબીએ વાત પર અડગ છે કે, એશિયા કપ ૨૦૨૩ માત્ર પાકિસ્તાનમાં જ રમાય. ભારતને આવતા વર્ષે આઇસીસી વર્લ્ડ કપ (૫૦ ઓવર)ની યજમાની મળી છે.