- કર્ણાટકમાં હનુમાનજીના આશીર્વાદ કોંગ્રેસ સાથે છે અને હવે ભગવાન શ્રી રામ પણ કોંગ્રેસ સાથે છે.
મુંબઇ, અત્યારે દેશભરમાં લોક્સભાની ચૂંટણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૫ તબક્કાનું મતદાન થયું છે અને ૨ તબક્કાનું મતદાન બાકી છે. આ દરમિયાન અલગ-અલગ નેતાઓ પોતાની પાર્ટીની તરફેણમાં બોલતા વિરોધ પક્ષો પર પ્રહારો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પણ મીડિયા સાથે વાત કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નાની પાર્ટીઓ સાથે વાત કરવાની બીજેપીની યોજના પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
મીડિયા સાથે વાત કરતા નાના પટલોએ કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પાર્ટીઓ તેમની સાથે નથી અને નાની પાર્ટીઓ છે તેને ખતમ કરવાની વાત કરતા હતા, હવે તેઓ કેવી રીતે નાની પાર્ટીઓની વાત કરી રહ્યા છે. મતલબ કે ભાજપ દેશની ચૂંટણીમાં હારી રહ્યું છે અને તેઓ હારતા પહેલા ફાયદો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓએ હાર સ્વીકારી લીધી છે.
નાના પટોલે વડાપ્રધાનના એક નિવેદન પર સવાલ પૂછવામાં આવ્યો હતો જેમાં પીએમએ કહ્યું હતું કે તેઓ લાહોર ગયા હતા અને પાકિસ્તાનની તાકાત તપાસી હતી. તેના જવાબમાં નાના પટોલેએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનને બે ટુકડામાં વહેંચી દીધું હતું. ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના લાહોરમાં જઈને પાકિસ્તાનને ધમકી આપી હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાહોરમાં ખેર અને બિરયાની ખાવા ગયા હતા. તેઓ ( મોદી) સમજવા માટે લાહોર નથી ગયા, તેઓ ખીર અને બિરયાની ખાવા ગયા હતા. મને ખબર નથી કે પીએમ બિરયાની ખાય છે કે નહીં, પરંતુ તેઓ ખીર ખાય છે. નાના પટોલેએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન, આપણી સરહદોને ચીનથી મુક્ત કરો. ચીને આપણી સરહદો પર કબજો જમાવ્યો છે. દેશમાં ખતરો છે, આ મુદ્દે વાત કરો. જ્યારે જૂનો ઈતિહાસ છીનવી લેવામાં આવશે, જ્યારે નવી પેઢી કોંગ્રેસનો ઈતિહાસ જાણશે ત્યારે નવી પેઢી તમને (ભાજપ)ને મત પણ નહીં આપે.
ચૂંટણીમાં ભગવાનના આશીર્વાદ વિશે વાત કરતા નાના પટોલેએ કહ્યું કે, ભગવાનના આશીર્વાદ કોંગ્રેસ પર છે. કર્ણાટકમાં હનુમાનજીના આશીર્વાદ કોંગ્રેસ સાથે છે અને હવે ભગવાન શ્રી રામ પણ કોંગ્રેસ સાથે છે. તમામ ભગવાન કોંગ્રેસ સાથે છે અને તેમના આશીર્વાદ કોંગ્રેસ સાથે છે. ભાજપ પોતાને ભગવાન કરતા મોટો માને છે, હવે આનો કોઈ અર્થ નથી. કોંગ્રેસ લોકશાહી પ્રણાલી પ્રમાણે કામ કરે છે. કોંગ્રેસની ભૂમિકા સ્પષ્ટ છે: જાહેર પ્રશ્ર્નો માટે લડવું.