જો કોઈ ફિલ્મ રાજ્યની શાંતિ માટે જોખમ છે તો તે સ્વતંત્રતા પર અંકુશ મૂકવો જોઈએ. : શત્રુધ્ન સિન્હા

મુંબઈ,અદા શર્માની ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ પર વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ ફિલ્મને જોનારો મોટો વર્ગ છે, જ્યારે અત્યાર સુધીમાં કરોડો રુપિયાની કમાણી કરી છે. આ ફિલ્મને લઈ તાજેતરમાં જાણીતા ફિલ્મ અભિનેતા શત્રુધ્ન સિન્હાએ જણાવ્યું કે તેણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. હું હંમેશાં અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ઊભો રહ્યો છું અને માનું છું કે દરેકને જે જોઈએ તે કહેવાનો અધિકાર હોવો જોઈએ. જો કોઈ રાજ્યમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તો રાજ્યના કાયદા અને વ્યવસ્થાની બાબત હશે. જો કોઈ ફિલ્મ રાજ્યની શાંતિ માટે જોખમ છે તો તે સ્વતંત્રતા પર અંકુશ મૂકવો જોઈએ. જો અભિવ્યક્તિનો અધિકાર છે તો વહીવટીતંત્રનો પણ અધિકાર છે, એમ તેમણે જણાવ્યું હતું.

બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પશ્ર્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આના પર શત્રુધ્ન સિંહાએ કહ્યું કે જો તેમને લાગે છે કે આ ફિલ્મ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જી શકે છે, તો તેની પાસે તેનું કોઈ કારણ હોવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, ટીઝર રીલિઝ થયા બાદ જ ફિલ્મમાં કરવામાં આવેલા દાવાઓ પર સવાલો ઉભા થયા હતા અને ટ્રેલર બાદ મામલો વધુ ગંભીર બની ગયો હતો, જો કે ફિલ્મ રિલીઝ થયા બાદ પણ ધ કેરળ સ્ટોરી ચર્ચાનો વિષય બની રહી છે. ફિલ્મમાં બિન-મુસ્લિમ છોકરીઓના ઈસ્લામ ધર્મ પરિવર્તનની કહાની બતાવવામાં આવી છે.

આ ફિલ્મના અનેક વિવાદ વચ્ચે આ ફિલ્મને યુપી અને મધ્યપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. સાથે જ કમાણીના મામલે પણ આ ફિલ્મ રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન છ દિવસમાં ૬૯ કરોડ થઈ ગયું છે.