- મારે ભ્રષ્ટાચાર કરવો હોત તો ભરૂચ-દહેજ મોટો વિસ્તાર છે.
રાજપીપળા, નર્મદા જિલ્લા ભાજપ દ્વારા દેડિયાપાડા ખાતે લાભાર્થી સંમેલન યોજાયું હતું. જેમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા, શંકર વસાવા, મહામંત્રી નીલ રાવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. આગામી લોક્સભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી ભાજપે શરૂ કરી દીધી છે. જેમાં સાંસદે તેમના વિરુદ્ધ અગાઉ ફરતાં થયેલાં નનામા પત્રના મામલે વિરોધીઓ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું, હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકાવી શકું તેમ છું, પણ હરામનો પૈસો મારા ઘરમાં નહિ આવે. મનસુખ વસાવાને પૈસા બનાવવા હોય તો નગરપાલિકા, નરેગામાં હાથ નાખે? કેટલાક લોકો જે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે એવા બાયલા લોકોને હું ખુલ્લા પાડું છું. એવા જ લોકો આવું નનામી પત્ર લખે છે. જો હિમ્મત હોય તો મારી સાથે આવે ને વાર્તાલાપ કરે. તેવું કહી વિરોધીઓ પર ત્રાટક્યા હતા.
એક સાંસદ પર આક્ષેપો કરવા કરતાં પત્ર લખનારને સૂચના આપી કે, મારી સામે આવીને આક્ષેપો કરે. જો ભ્રષ્ટાચાર કરવા હોત તો મારી પાસે મોટા ઉદ્યોગો અને વિસ્તાર છે. પણ મનસુખ વસાવા ક્યારે આવા ખોટા રૂપિયાને અડતા નથી. હું સાચો છું એટલે મારા પક્ષના કાર્યકરો અને મંત્રીઓ સામે પણ બેફિકર બોલું છું. હું કોઈથી ડરતો નથી કહી તમામ વિરોધીઓને ઝાટકી કાઢ્યા હતા. હું એક ઉદ્યોગપતિનું નાક દબાવું તો કરોડો રૂપિયા કમાઈ શકું છું, પણ આ મારું કામ નથી. હું સેટિંગ કરવાવાળો માણસ નથી.
વધુમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મારા વિરોધમાં પત્રો પણ લખે છે પણ હાથી પાછળ કૂતરાં ભસ્યા કરે કહી દેડિયાપાડા બેઠક હારી ગયા તો મારા માથે અને નીલ રાવના માથે હારનો ટોપલો નાખે છે. મારે નહોતું બોલવું પણ વર્ષોથી સહન કર્યું ને આજે બોલવું પડ્યું. બાકી ચૈતરની કોઈ હેસિયત નથી કે દેડિયાપાડા બેઠક જીતી શકે. પણ ઘર ફૂટે ઘર જાય એમાં કોઈ એક બે વ્યક્તિ પર ના ઢોળાય કહી દેડિયાપાડા બેઠક વિરુદ્ધ કામ કરનારાઓ સામે સાંસદ રોષે ભરાયા હતા.
મનસુખ વસાવાએ કહ્યું હતું કે, મને કાપો તો લોહીમાંથી હિન્દુત્વનું ટપકું પડે. એક-એક ટપકું હિન્દુ-હિન્દુ બોલે. મારી ક્રિશ્ર્ચિયન પોલિસી નથી. અડધા ક્રિશ્ર્ચિયન અને અડધા હિન્દુ નહીં. ડંકાની ચોટ પર કહું છું કે ભૂતકાળમાં હિન્દુની વાત કરી છે અને કરીશું. અમે તો સૌનો સાથ સૌનો વિકાસમાં માનીએ છીએ. પરંતુ કોઇ અમને છંછેડે તો તેને છોડવો પણ નહીં. મેં કોઇની સાથે સેટિંગ નથી કર્યું અને કરીશ પણ નહીં. સેટિંગ કરનારા લોકો મારા પર આક્ષેપ કરે તો મારાથી કેવી રીતે મૌન રહેવાય? રાજનીતિમાં મૌન ન રહેવાય. જો દબાઇ ગયા તો સમજો તમારું રાજકારણ પતી ગયું.
નર્મદા જિલ્લામાં હાલ નનામો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં મનસુખ દાદાની જગ્યાએ (મન દુ:ખ દાદા) ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો છે. જે બાબતે મનસુખ વસવાને પૂછતાં તેમને જણાવ્યું કે, એવા લેટર તો ફર્યા કરે, વિધ્નસંતોષી માણસો જ આવું કામ કરે. હું એટલી તાકાતથી પ્રજાની વચ્ચે જાઉં છું. આજે સાતે સાત વિધાનસભામાં હું જાઉં છું અને જે સાચી વાત કહેવાની હોય એ કહું છું. કેટલાક લોકો જે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે એવા બાયલા લોકોને હું ખુલ્લા પાડું છું. એવા જ લોકો આવું નનામી પત્ર લખે છે. જો હિમ્મત હોય તો મારી સાથે આવે ને વાર્તાલાપ કરે.