જો હું જીતી તો રાશન કાર્ડ પર અનાજની સાથે સસ્તો બ્રાન્ડેડ દારૂ પણ મળશે’ : અપક્ષ ઉમેદવારની જાહેરાત

મુંબઇ, લોક્સભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. દરમિયાન ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવાર જીત નક્કી કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદાતાને લોભામણા વચન આપવામાં આવી રહ્યા છે. આવુ જ એક વચન મહારાષ્ટ્રના એક અપક્ષ ઉમેદવારે આપ્યુ છે, જે ચર્ચામાં છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરના ચિમૂર ગામથી અપક્ષ ઉમેદવાર વનિતા રાઉતે કહ્યુ છે કે જો તે લોક્સભાની આગામી ચૂંટણી જીતશે તો તે ગરીબ લોકોને સસ્તી વ્હિસ્કી અને બીયર આપશે.

વનિતા રાઉતે ગરીબ મતદાતાઓને લોભાવવા માટે અજીબોગરીબ વચન આપતા કહ્યું છે કે તે દરેક ગામમાં બીયરબાર ખોલશે અને સાંસદ નિધિ ફંડથી સસ્તી વ્હિસ્કી અને બીયર પણ વોટર્સને પૂરા પાડશે. તેણે કહ્યું, જ્યાં ગામ, ત્યાં બીયર બાર. આ મારા મુદ્દા છે. તેણે રાશનિંગ સિસ્ટમથી દારૂ આયાત કરવાના વચન પર કહ્યું કે આ માટે દારૂ પીનારા અને દારૂ વેચનારા બંનેની પાસે લાયસન્સ જરૂરી છે.

તેણે કહ્યું કે જે લોકો ખૂબ ગરીબ છે, આકરી મહેનત કરે છે, તેમને માત્ર દારૂ પીવાથી જ સાંત્વના મળે છે. પરંતુ તે ગુણવત્તાપૂર્ણ વ્હિસ્કી કે બીયર એફોર્ડ કરી શક્તા નથી. તે માત્ર દેશી દારૂ પીવે છે અને તેના સેવનની કોઈ મર્યાદા નથી. તેથી તે બેભાન થઈ જાય છે. હું ઈચ્છું છું કે તે ઈમ્પોર્ટેડ દારૂનો આનંદ લે.

દારૂ પીવાથી પરિવારો બરબાદ થઈ જાય છે તે અંગે વનિતાએ કહ્યું કે આ જ કારણોસર તે ઈચ્છે છે કે દારૂ પીવા માટે લોકોને લાયસન્સ આપવુ જોઈએ. ૧૮ વર્ષની ઉંમર બાદ જ દારૂ પીવા માટે લાયસન્સ લોકોને આપવુ જોઈએ. આ કોઈ પહેલી વખત નથી જ્યારે વનિતા ચૂંટણી લડી રહી છે. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં તે નાગપુર બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતરી હતી.

ઉલ્લેખનીય છે કે દેશમાં ૧૯ એપ્રિલથી સાત તબક્કામાં લોક્સભા ચૂંટણી થવા જઈ રહી છે. મતગણતરી ચાર જૂને થશે. મહારાષ્ટ્રની ૪૮ બેઠકો પર શરૂઆતી પાંચ તબક્કામાં મતદાન થશે.