જો ભારતને જોડવું જ હોય તો કોંગ્રેસ તેની યાત્રા પીઓકે સુધી લઈ જાય: ઉમા ભારતી

બેતુલ,

મધ્યપ્રદેશના બેતુલમાં સોમવારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ મોટું નિવેદન આપ્યું છે. આમ તો ઉમા ભારતી અવારનવાર પોતાના ઉગ્ર નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેમણે ભારત જોડો યાત્રા વિશે કહ્યું કે મને સમજાતું નથી કે જોડાયેલા ભારતને કેમ જોડવું છે, ક્યાં તૂટી ગયું છે ? પાકિસ્તાન અલગ થયું ત્યારે ભારત તૂટી ગયું હતું. રાહુલ ગાંધીના દાદાના સમયે ભારત તૂટી ગયુ હતું. અમે તો તૂટેલાને સાથે જોડવાનું કામ કર્યું છે. કલમ ૩૭૦ હટાવી દીધી છે. અમે જોડવાનું કામ કરી રહ્યા છીએ. હવે જો રાહુલ ગાંધી ભારતને જોડવા માગે છે, તો એક વસ્તુ જોડવી જરૂરી છે, અને તે છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર.

હું બેતુલથી જ રાહુલ ગાંધીને સંદેશ મોકલું છું કે, ભારતને એક કરવા માટે એક વસ્તુ જરૂરી છે, અને તે છે પીઓકેદ્ભ. મહેરબાની કરીને તમે તમારી આ યાત્રા પીઓકે સુધી લઈ જાઓ અને તેને ભારત સાથે જોડ્યા બાદ જ પાછા આવજો. નહીં તો ત્યાં જ રોકાઈ જજો.

મીડિયા સાથેની ચર્ચામાં ઉમા ભારતીએ દારૂ બંધી અભિયાનને આગળ વધારતા કહ્યું કે હવે અમારો નવો સંદેશ છે કે દારૂ ના પીવો, દેશી ગાયનું દૂધ પીઓ. મધુ શાળાથી ગૌશાળા તરફ ચાલો. મધુ શાળા બંધ કરો, ગૌશાળા ખોલતા રહો. ગૌશાળા ખોલવા માટે એવી ગાયની જરૂર છે જેનું પાલન કરવા ખેડૂત સક્ષમ હોય. કારણ કે હવે તેને બાંધવા માટે કોઈ જગ્યા બચી નથી, કોઈ ગોવાળ નથી. હવે આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે ગોઠવવી પડશે. તેમણે કહ્યું કે ગાય સહારો આપે છે, બોજ નથી બનતી. તેથી જ મધ્યપ્રદેશમાં ઓર્ગેનિક ખેતીમાં ઝડપથી વધારો થયો છે. મધ્યપ્રદેશએ ભારતનું એક એવું રાજ્ય છે જ્યાં ઓર્ગેનિક ખેતી કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. અમારી સરકારે આમાં ખૂબ સારું યોગદાન આપ્યું છે.

પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીએ કહ્યું કે, ૨ ઓક્ટોબરે એક કાર્યક્રમ હતો જેમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા સાથે હતા અને ચર્ચા થઈ હતી. ગયા વર્ષે જાહેર કરવામાં આવેલી દારૂની નીતિમાં ખામીઓ હતી, જે અંગે મુખ્ય પ્રધાને ખુલ્લેઆમ કહ્યું હતું કે, અમારી નીતિમાં ખામીઓ છે જે સુધારવામાં આવશે, અને તેમણે મારા અને બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલા તમામ મુદ્દાઓ અંગે સહમત થયા હતા અને પછી નિર્ણય લેવામાં આવ્યો હતો કે વી.ડી. શર્મા સંગઠન વતી શિવરાજ સિંહ ચૌહાણ સરકાર વતી અને હું જનતા વતી પરામર્શ માટે બેસશે અને પછી નવી દારૂની નીતિ આવશે. નવી દારૂની નીતિમાં ખામીઓ રહેશે નહીં.