- અમને સીટો આપતા રહો અને અમે મુગલોએ જે કારનામા કર્યા, એ સાફ કરતા જઈશું.
ગોવાહાટી, લોક્સભાની ચૂંટણી ચાલી રહી છે અને દિલ્હીની ૭ લોક્સભા સીટો પર ૨૫ મેએ મતદાન થવાનું છે. મતદાન પહેલા ભાજપે દિલ્હીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપના મોટા-મોટા નેતાઓ દિલ્હીમાં છે. આટલું જ નહીં, જુદા-જુદા રાજ્યના મુખ્યમંત્રી પોતાની પાર્ટીના ઉમેદવારો માટે રોડ શો કરીને વોટ માંગી રહ્યા છે. ત્યારે હવે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ ભાજપના પૂર્વ દિલ્હીના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાના સમર્થનમાં પ્રચાર કર્યો.
આ દરમિયાન મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે જો ભાજપ ૪૦૦નો આંકડો પાર કરશે તો મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને જ્ઞાનવાપીની જગ્યાએ પણ બાબા વિશ્ર્વનાથનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ગત ચૂંટણીમાં અમે કહ્યું હતું કે રામ મંદિર બનાવવું છે અને આ વખતે જ્યારે અમે ચૂંટણીમાં તમારી વચ્ચે આવ્યા છીએ ત્યારે રામ મંદિર બની ચુક્યું છે. તેથી હવે જીત પણ તો મોટી હોવી જોઈએ, કારણ કે અમે અમારા વચનો પૂરા કર્યા છે. જ્યારે ભાજપ ૪૦૦નો આંકડો પાર કરશે ત્યારે મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને જ્ઞાનવાપીની જગ્યાએ બાબા વિશ્ર્વનાથનું ભવ્ય મંદિર બનશે.
તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ અમને પૂછતી રહી કે તમને (ભાજપ) ૪૦૦ થી વધુ સીટો કેમ ઈચ્છો છો, તો મને લાગ્યું કે આનો જવાબ પણ હોવો જોઈએ. તો મેં કહ્યું કે જ્યારે અમારી ૩૦૦ સીટો હતી ત્યારે અમે રામ મંદિર બનાવ્યું. હવે અમારી ૪૦૦ સીટો હશે તો મથુરામાં પણ કૃષ્ણ જન્મભૂમિ બનશે અને જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ બાબા વિશ્ર્વનાથનું ભવ્ય મંદિર બનશે તો અમને સીટો આપતા રહો અને અમે મુગલોએ જે કારનામા કર્યા, એ સાફ કરતા જઈશું.
આસામના સીએમએ વધુમાં કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે એક રીતે, કાશ્મીર ભારતમાં પણ છે અને પાકિસ્તાનમાં પણ છે. આપણી સંસદમાં ક્યારેય એ વાત પર ચર્ચા થતી ન હતી કે જે કાશ્મીર પાકિસ્તાન પાસે છે તે ખરેખર આપણું છે. છેલ્લા ૭ દિવસથી ત્યાંથી તસવીરો આવી રહી છે, દરરોજ ત્યાં પ્રદર્શન થઈ રહ્યા છે અને ત્યાંના લોકો ભારતીય ઝંડા લઈને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એ જોઇને મને લાગે છે કે આ શરૂઆત છે. મોદીજીને ૪૦૦ સીટો મળશે તો પીઓકે પણ ભારતનું થઈ જશે. શરૂઆત થઈ ચુકી છે. એટલે હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે અમને ૪૦૦ સીટો કેમ જોઈએ છે.
હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે પહેલા જ્યારે તેઓ દિલ્હી આવ્યા ત્યારે તેમને લાલ કિલ્લો અને કુતુબ મિનાર જોવાનું કહેવામાં આવતું હતું અને હવે મોહલ્લા ક્લિનિક જોવાનું કહેવામાં આવે છે, પરંતુ આજે જ્યારે તેઓ મોહલ્લા ક્લિનિક જોવા ગયા ત્યારે તેમને આશ્ર્ચર્ય થયું કે શું દિલ્હીની ઓળખ મોહલ્લા ક્લિનિક છે તો પછી દેશનું સન્માન ક્યાં છે? આસામના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો બની રહી છે અને જ્યારે દિલ્હીમાં સરકાર આવશે તો આપણે અહીં મોહલ્લા ક્લિનિક કેમ બનાવીશું, અહીં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવીશું, મેડિકલ કોલેજ બનાવીશું.
કેજરીવાલ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે જેલમાંથી છૂટેલો એક ભ્રષ્ટ વ્યક્તિ કહે છે કે ભાજપ ૨૦૦ને પાર નહીં કરે, તો દેશની જનતા તો ૪૦૦ને પાર ભાજપને એમ પણ મોકલી રહી છે. પછી એક ચોર અને તિહારમાંથી વચગાળાના જામીન પર બહાર આવેલા ભ્રષ્ટ વ્યક્તિની વાતો પર કેમ યાન આપવું. અમારી સામે કેજરીવાલ કોઈ એજન્ડા નથી, કારણ કે જેને દેશનો વિકાસ કરવો હોય, એને કોઈ બીજો કોઈ પડકાર દેખાતો નથી. આજે દેશના લોકોને પણ લાગે છે કે ભારત માટે કંઈ સારું થશે તો મોદી સરકાર જ કરી શકે છે.