જેએનયુમાં છત્રપતિ શિવાજીની તસવીર ફેંકી દેવાતા હંગામો

નવીદિલ્હી,

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ફરી એકવાર હંગામો થયો છે. રવિવારે ડાબેરીઓએ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફિસમાં વીર શિવાજીના તસવીરને તોડફોડ કરી ફેંકી દેવામાં આવી હતી. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સામે આવ્યા છે. આ ઘટના પર JNU એ પણ ટ્વીટ કર્યું છે. હાલ કેમ્પસમાં ડાબેરીઓ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એબીવીપીનો એક વિદ્યાર્થી કહી રહ્યો છે કે, “અહીં હમણાં જ ડાબેરી ગુંડાઓ દ્વારા શિવાજી અને મહારાણા પ્રતાપજીની તસવીરો પરથી માળા હટાવી દેવામાં આવી છે. આ સાથે અહીં તોડફોડ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ ઘટનાની નિંદા કરી છે.આપને જણાવી દઈએ કે, એબીવીપીના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ગુંડાગીરી માટે ડાબેરી વિદ્યાર્થીઓ પર સીધો આરોપ લગાવ્યો છે. તો આ તરફ ડાબેરી સમથત જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયને આરોપ લગાવ્યો હતો કે આઇઆઇટી બોમ્બેના વિદ્યાર્થી માટે ન્યાયની માંગણી સાથે નીકળેલી માર્ચ પછી એબીવીપીએ કેટલાક વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. જોકે, એબીવીપી એ આ આરોપને નકારી કાઢ્યો છે. અને એબીવીપીએ ડાબેરી સમથત વિદ્યાર્થી સંગઠનો પર છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

મહત્વનુ છે કે, ગઈ કાલે શિવાજીની જન્મજયંતિ હતી. વડાપ્રધાન મોદીએ રવિવારે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું હતુ કે હિંમત અને સુશાસન અંગેના તેમના વિચારો તેમને પ્રેરણા આપે છે. ૧૬૩૦ માં જન્મેલા શિવાજી તેમની શક્તિ, લશ્કરી પરાક્રમ અને તીવ્ર નેતૃત્વ માટે જાણીતા છે.