જીવનસાથી સાથે ઇરાદાપૂર્વક જાતીય સંબંધનો ઇનકાર ક્રૂરતા: દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું છે કે, પત્નિ દ્વારા ઇરાદાપૂર્વક જાતીય સંબંધ બાંધવાનો ઇનકાર ક્રૂરતા છે. કોર્ટે છૂટાછેડાની એક અરજીની સુનાવણી કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. દંપતિ વચ્ચે લગ્ન પછી ટૂંક સમયમાં વિવાદ થયો હતો અને તેમના લગ્ન માત્ર ૩૫ દિવસ ચાલ્યા હતા. જજ સુરેશ કુમાર કૈતની અધ્યક્ષતા હેઠળની બેન્ચે છૂટાછેડાના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “સેક્સ વગર લગ્ન અત્યાચાર છે’ અને ‘લગ્ન માટે સેક્સ અંગેની નિરાશાથી વધુ ખતરનાક બીજું કશું નથી.” ફેમિલી કોર્ટે આ કેસમાં છૂટાછેડાની મંજૂરી આપી હતી. તેની વિરુદ્ધ પત્નીએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે, ત્યાં પણ છૂટાછેડાનો ચુકાદો યથાવત્ રાખવામાં આવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, “પત્નીના ઇનકારને કારણે લગ્ન સફળ થઈ શક્યા નથી.” જોકે, મહિલાએ પોલીસને એવી ફરિયાદ કરી હતી કે, તેની પાસે દહેજની માંગણી કરવામાં આવી રહી છે અને આ કારણે તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. 

જોકે, દહેજની માંગણીનો કોઈ નક્કર પુરાવો મળ્યો ન હતો. કોર્ટે જણાવ્યું હતું કે, “જીવનસાથી દ્વારા ઇરાદાપૂર્વક સેક્સનો ઇનકાર કરવો ત્રાસ છે. ખાસ કરીને દંપતિના નવા લગ્ન થયા હોય ત્યારે આ વાત મહત્વની બને છે અને છૂટાછેડાની મંજૂરી માટે આ વાત પૂરતી છે.” કોર્ટે જણાવ્યું હતું કે, “આ કેસમાં લગ્ન માત્ર ૩૫ દિવસ ચાલ્યા હતા. વધુમાં લગ્નના અધિકારથી વંચિત રહેવાને કારણે લગ્ન નિષ્ફળ રહ્યા હતા.” પત્નિએ લગ્ન પછીનો સમય પિયરમાં વીતાવ્યો હોવાને કારણે કોર્ટે આવી ટિપ્પણી કરી હતી. દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “દંપતિના લગ્ન ૨૦૦૪માં હિંદુ રીતિરિવાજ પ્રમાણે થયા હતા. 

ત્યાર પછી પત્ની પિયર જતી રહી અને પરત આવી નહી. ત્યાર પછી પતિએ ત્રાસ અને પત્ની છોડીને જતી રહી હોવાના આધારે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.” દિલ્હી હાઇકોર્ટે ફેમિલી કોર્ટના છૂટાછેડા મંજૂર કરવાના ચુકાદાને યોગ્ય ગણાવ્યો હતો. કેસમાં પતિને છોડી દેવાયો હોવાની વાત સાબિત થઈ શકી નહીં, પણ કોર્ટે પત્નીનું વર્તન ત્રાસદાયસ ગણાવી છૂટાછેડાની મંજૂરી આપી હતી.