દહેરાદુન, યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચા વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસી પર આકરા પ્રહારો કર્યા છે. તેમનું કહેવું છે કે ઓવૈસી જેવા લોકો જ જિન્ના સંસ્કૃતિને આગળ લઈ રહ્યા છે. તાજેતરમાં ઓવૈસીએ લઘુમતી કલ્યાણ બજેટમાં ૪૦ ટકાનો ઘટાડો કરવા માટે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
ઓવૈસી પર પ્રહાર કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તેમના જેવા લોકો જિન્ના પ્રકારની સંસ્કૃતિને આગળ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી આખો દેશ એક છે. શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્ર્વમાં ભારતનું સન્માન વધી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ હાલમાં જ યુનિફોર્મ સિવિલ કોડની હિમાયત કરતા કહ્યું હતું કે, એક ઘરમાં બે કાયદા ન ચાલી શકે. આવી સ્થિતિમાં આવી બેવડી વ્યવસ્થાથી દેશ પણ ચાલી શકશે નહીં. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દે દેશના મુસ્લિમ સમુદાયને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે.
અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર સિવિલ કોડનું સમર્થન કરવા પર નિશાન સાધ્યું અને તેમના પર મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. ઓવૈસીએ એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી ‘હિંદુ સિવિલ કોડ’ લાવવા માંગે છે. તેમણે મધ્યપ્રદેશમાં ત્રિપલ તલાક અને પસમાંદા મુસ્લિમોને લઈને પીએમ મોદીના નિવેદનોની પણ ટીકા કરી હતી.
ગુરુવારે ઓવૈસીએ કહ્યું હતું કે તમામ મુસ્લિમ ગરીબ છે. જે મુસ્લિમો ઉચ્ચ વર્ગના છે તેઓ ઓબીસી વર્ગના હિંદુઓ કરતાં પણ વધુ ગરીબ છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે,પીએમ મોદીએ કહ્યું કે મુસ્લિમોનું એક ‘સમૂહ’ નથી ઈચ્છતું કે પસમાંદા મુસ્લિમો આગળ વધે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે તમામ મુસ્લિમો ગરીબ છે. ઉચ્ચ વર્ગના મુસ્લિમો ઓબીસી હિંદુઓ કરતા ગરીબ છે. મોદી તમામ ભારતીયોના વડાપ્રધાન છે, તો પછી તેમણે લઘુમતી કલ્યાણ બજેટમાં ૪૦%નો ઘટાડો કેમ કર્યો?