વિકાસની ગતિ દિવસે દિવસે વધતી જાય છે. પહેલા એક પેઢીથી બીજી પેઢી વચ્ચે ૨૫ વર્ષનું અંતર હતું. પછી બે પેઢી અથવા કહો કે જનરેશન વચ્ચે ૨૦ વર્ષનો તફાવત હતો. અત્યારે એક દાયકામાં જ જનરેશન ગેપ જોવા મળે છે. સર્જનાત્મક્તા અને વિચારોની ક્ષિતિજ સતત વિક્સી રહી છે. પહેલા જે ઘટના પાંચ હજાર વર્ષ સુધી ચાલતી તે પછીથી પાંચસો વર્ષમાં બદલાઇ. જે વિકાસ પાછલા પાંચસો વર્ષમાં થયો તેના કરતા છેલ્લા દોઢસો વર્ષમાં વયો. છેલ્લા દોઢસો વર્ષમાં જે વિકાસ થયો તેનાથી વધારે એકવીસમી સદીના પ્રથમ પંદર વર્ષમાં થયો. એકવીસમી સદી જેટલી વિકસિત, ઝડપી અને ટેકનોલોજીથી ભરપૂર ઇતિહાસમાં કોઇ સદી રહી નથી. આવનાર વર્ષોમાં પણ જે ઘટનાઓ આકાર લેશે તે આશ્ચર્યથી ભરેલી જ હશે.
વીસ કે પચ્ચીસ વર્ષ પહેલા ક્યાં કોઇએ વિચાર્યું હતું કે વિદેશમાં જે ઘટના ઘટશે તેનો વીડિયો તમારા સ્માર્ટ ફોનમાં બીજી જ મિનિટે આવી ગયો હશે! ઇન્ટરનેટે સાચે જ દુનિયા નાની કરી દીધી છે. માત્ર ક્રોમ નહીં પરંતુ સ્કાઇપીના માયમથી તમે દુનિયાના કોઇપણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે જોઇને સામસામે વાતચીત કરી શકો! આ જ ઇન્ટરનેટે ઢગલાબંધ વસ્તુઓ આપી છે. સફગ કરતાં કરતાં સરસ સંદેશાવાળા પ્રસંગો આંખે ચડી જતા હોય છે. રીડર બિરાદર મિત્રો માટે આવા પ્રેરણાદાયી, અંતરમનની જ્યોત પ્રગટાવતા કેટલાક પ્રસંગો કે બનાવોની વાત કહેવી છે. આશા છે મજા આવશે. તો સાંભળો:
બ્રુકલીન શહેરમાં એક જુનુંપુરાણું ચર્ચ આવેલું હતું. એ વિસ્તારના ઓછા માણસો એ ચર્ચમાં જતા. એના કારણે ચર્ચનો નિભાવખર્ચ પણ માંડ માંડ નીકળતો. રીપેરીંગ અને રંગરોગાન વિશે તો વિચારવાનું જ ક્યાંથી આવે! એ સમયગાળામાં જ એ ચર્ચમાં એક નવયુવાન પાદરીની નિમણૂંક થઇ. ખૂબ જ ઉત્સાહી એ પાદરીએ વિચાર્યું કે નાતાલ સુધીમાં આ ચર્ચના રંગરૂપ બદલી નાખવા. બને તેટલા વધારે લોકોને આમંત્રણ આપવું. જ્ઞાન તો તેની પાસે ઘણું હતું. ઓક્ટોબરમાં એ આવ્યા અને ૧૮ ડિસેમ્બર સુધીમાં તો ધીમે ધીમે ફંડફાળો કરી ચર્ચનું સમારકામ કરી કાયાપલટ કરી નાખી.
નાતાલને હજુ અઠવાડિયાની વાર હતી, હવે તેણે શ્રેષ્ઠ સ્પીચ તૈયાર કરવાની હતી. પણ કુદરતે કંઇક અનોખું વિચાર્યું હતું. ૧૯ ડિસેમ્બરે રાત્રે બરફનું ભયંકર તોફાન આવ્યું અને ચર્ચને ઘણું નુક્સાન પહોંચ્યું. લોકો પ્રાર્થના માટે બેસે તેની સામેની દિવાલમાં જ છ ફૂટ જેટલું મોટું ગાબડું પડી ગયું હતું. હવે નાતાલ સુધીમાં આટલું બધું રીપેરીંગ શક્ય નહોતું. પાદરીએ વિચાર્યું કે જેવી ઈશ્વરની ઇચ્છા! થોડી સફાઇ કરાવી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.
રસ્તામાં વિચાર તો એ ગાબડા વિશે જ આવતો હતો. તેવામાં તેમનું ધ્યાન રસ્તા પર ચીજવસ્તુઓ વેચતી પાથરણાવાળી બાઇ તરફ ગયું. એણે પાથરેલી વસ્તુઓમાં એક ટેબલ ક્લોથ ઊડીને આંખે વળગે તેવું હતું. આશરે છ ફૂટ પહોળું અને આઠ ફૂટ લાંબું એ ટેબલ ક્લોથ જોઇને એ જ ક્ષણે એમને ચર્ચની દીવાલમાં પડેલું ગાબડું યાદ આવી ગયું. તરત જ ખરીદી લીધું. હવે તેઓ ઘરના બદલે ચર્ચ તરફ જવા લાગ્યા. એ જ સમયે બરફ પડવાનો શરૂ થઇ ગયો. પાદરી ચર્ચમાં દાખલ થયા એ જ વખતે એમની નજર રસ્તાની બીજી તરફના ફૂટપાથ પર ગઇ. સાઠેક વરસના માજી બસ ચૂકી ગયા હતા અને બીજી બસની રાહ જોતા ઊભા હતા. પાદરીએ તેમને ચર્ચની અંદર વિશ્રામ કરવા બોલાવ્યા. માજીએ તેમનો આભાર માન્યો.
પાદરીએ મદદનીશને બોલાવીને પેલા ગાબડાની જગ્યાએ ટેબલ ક્લોથ લગાડાવવાનું શરૂ કર્યું. ભગવાનની કૃપા થઇ હોય તેમ ટેબલ ક્લોથે સરસ રીતે ગાબડાનો ભાગ ઢાંકી દીધો. દીવાલનો ઉઠાવ પણ ખૂબ જ આવતો હતો. પાદરી ખુશ થઇ ગયા.
‘ફાધર! આ ટેબલ ક્લોથ તમને ક્યાંથી મળ્યું? એના ખૂણા પર ક્યાંય ઉઇં એવું લખેલું છે ખરૂં?’ પાદરીના કાન ચમક્યા. એમણે ખૂણો જોયો અને સાચ્ચેજ એના પર હેન્ડ એમ્બ્રોઇડરીથી ઉઇં એવું લખેલું હતું. એ પોતાના નામના પ્રથમ અક્ષરો છે તેવું માજીએ કહ્યું. માજીએ વિગતે વાત કરી કે પાંત્રીસ વર્ષ પહેલા ઓસ્ટ્રિયામાં એમણે આ ટેબલ ક્લોથ ભરેલું. પછી નાઝીઓના હુમલા વખતે પોતાને ઘર છોડીને ભાગવું પડેલું અને એમના પતિને હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ પકડી લેવામાં આવ્યા હતા. આજે આટલા વર્ષ ટેબલ ક્લોથ જોઇ ભૂતકાળ જાણે કે એમની સામે સજીવન થઇ ગયો. માજીની આંખો ભીની થઇ તો પાદરીની આંખો પણ સજળ બની ગઇ હતી.