પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણ માં પલટો આવ્યો હતો.જેનાબાદ ભારે વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદનું સાર્વત્રિક આગમન થયું હતું. જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ભારે નુકસાન સર્જાયું છે, ભારે વાવાઝોડાને લઈ ગોધરા શહેર -તાલુકામાં, કાલોલ, ઘોઘંબા સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ બની હતી. ભારે પવનના કારણે કેટલાક વીજપોલને પણ નુકસાન થતાં લાઈટો ગુલ થઈ ગઈ હતી. જેમાં ગોધરા શહેર ના બગીચા રોડ વિસ્તાર, ગોધરા તાલુકાના કાકનપુર, કાલોલ ના શામલાદેવી, મલાવ હાલોલ – બોડેલી માર્ગ, ઘોઘંબા દેવગઢબારિયા ને જોડતા મુખ્ય માર્ગ ઉપર પરોલી અને અન્ય વિસ્તારમાં વૃક્ષો પડી જવાના કારણે માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. એવી જ રીતે ગોધરા તાલુકાના એકસઠ પાટિયા પાસે વિજપોલ અને કાંકણપુર નજીક વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના બની હતી.
જ્યારે ગોધરા શહેરના બગીચા રોડ, પ્રભારોડ સહિતના વિસ્તારમાં વૃક્ષો પડવાથી માર્ગ ઉપર અવરજવર બંધ કરવા ની ફરજ પડી હતી .કમોસમી માવઠાના માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય મકાનોના પતરા ઉડતાં ભારે નુકશાની થઈ હતી. જેમાં કાલોલ ના શામલાદેવી ગામમાં 15 ઉપરાંત મકાનોના છતના પતરા વાવાઝોડામાં ઉડી ખેતરોમાં પડ્યા જ્યારે ખરસાલીયા અને દેવપુરા ગામમાં પણ મકાનોના છતના પતરા ઉડી જતા ભારે નુકસાન થયો છે, આ ઉપરાંત ખેતરમાં ખુલ્લામાં રાખવામાં આવેલા ઘાસચારો પણ પલળી જતાં ખેડૂતોની માઠી હાલત થવા સાથે ભારે નુકશાન વેઠવાનો સતત બીજી વાર વારો આવ્યો છે.હાલ જાહેર માર્ગો ઉપર પડેલ વૃક્ષોને હટાવવાની કામગીરી સ્થાનિકો તેમજ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આજે વેકશનનો છેલ્લો રવિવાર હોવાના કારણે આજે વહેલી સવારથીજ મોટી સંખ્યા માં દર્શનર્થીઓ પાવગઢ ખાતે આવી ગયા હતા પરંતુ ભારે પવન અને વાવાઝોડાને પગલે યાત્રાધામ પાવગઢ ખાતે વાતાવરણ પગલે અને સલામતી ને ધ્યાન માં લઇ રોપ વે સેવા બંધ કરી દેવામાં આવી છે.