- 07 મે,2024 મતદાનના દિવસે મતદાન કરી આવનાર મતદાતાઓને ડિસકાઉન્ટ આપવા અનુરોધ.
- વેપારીઓને વધુ વધુમાં ગ્રાહકોને મતદાન જાગૃતિ માટે સમજૂત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
નડિયાદ, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી રેવન્યુ મીટીંગ હોલ નડિયાદ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત નડિયાદ શહેરની વિવિધ હોટેલ, રેસ્ટોરેન્ટ, થિએટર, મલ્ટીપ્લેક્ષ, મોલ, મેડીકલ સ્ટોર, લેબોરેટરી, ગૃહ ઉદ્યોગ, વેપારી એસોસિયેશન, પાણી પુરી સ્ટોલ ધારકો વગેરે માલિકો, પ્રતિનિધિઓને બોલાવી નડિયાદ શહેરીજનો વધુમાં વધુ મતદાન કરે એ બાબતે મતદાન જાગૃતિ કરવા અપીલ કરવામાં આવી હતી. વેપારીઓને 7મી મે,2024 મતદાનના દિવસે મતદાન કરી આવનાર મતદાતાઓને 07% ના દરે ડિસકાઉન્ટ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેની અમલવારી કરવા ઉપસ્થિત સૌ વેપારીઓએ ખાતરી આપી હતી.
સાથે જ શહેરના વેપારીઓ, દુકાનદારોને તેમની શોપ, માર્ટ કે મોલ વગેરે સ્થળોએ મતદાન માટે અપીલ કરતા પેમ્ફલેટ્સ/પોસ્ટર વેગેરે લગાવી સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જાગૃતિ લાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો તથા વેપારીઓને મતદાન જાગૃતિના સંદેશો ફેલાવતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારીએ લોકશાહીના આ પાવન પર્વમાં સૌએ જોડાઈ મતદાન પ્રેરણાનો સંદેશ ફેલાવવા અપીલ કરી હતી. સાથે જ સૌ વેપારી મંડળના પ્રતિનિધીઓના મતદાન જાગૃતિના સુઝાવોને પણ સાંભળ્યા હતા.
વધુમાં, અંબિકા સ્વીટ માર્ટ, સંતરામ મંદિર દુકાનદાર હિતેશભાઈ દલવાડી અને નાથજી જલેબી શોપનાં વિક્રેતા પપૂભાઈ પ્રજાપતિએ 7 મે, 2024નાં રોજ મતદાન કરીને આવનાર લોકો સવિશેષ ડીસ્કાઉન્ટનાં દરે ચીજવસ્તુઓ આપવા ખાતરી આપી હતી.
આ મીટીંગમાં નડિયાદ પ્રાંત અધિકારી કે.એસ.સુવેરા, નડિયાદ નગરપાલીકા ચીફ ઓફીસર રૂદ્રેશ હુદડ, જીલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ, નડિયાદ શહેરી અને ગ્રામ્ય મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારી સહિત શહેરના વેપારીઓ અને પ્રતિનિધિઓ જોડાયા હતા.