જીલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પોષણ માસ ઉજવણી સપ્ટેમ્બર 2024-25 માટે બેઠક યોજાઈ

  • રાષ્ટ્રીય પોષણ માસ દરમ્યાન પ્રત્યેક ઘર સુધી ઘર સુધી યોગ્ય પોષણનો સંદેશ.

જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાની અધ્યક્ષતામાં જીલ્લા પંચાયત, નડિયાદ ખાતે પોષણ માસ ઉજવણી સપ્ટેમ્બર 2024-25 માટે બેઠક યોજાઈ હતી. જીલ્લા વિકાસ અધિકારીએ પોષણ માસ ઉજવણી અંતર્ગત કરવામાં આવનાર પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મનીષા બારોટે ખેડા જીલ્લામાં થનાર પોષણ માસ ઉજવણી કાર્યક્રમના આયોજન અંગે માહિતી આપી હતી. એનિમિયા, વૃદ્ધિ દેખરેખ, પૂરક આહાર, પોષણ ભી પઢાઇ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી અને સર્વગ્રાહી પોષણની થીમ વિશે તેમણે માહિતી આપી હતી.

નોંધનીય છે કે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ પોષણને ઝુંબેશ તરીકે લઈ વિવિધ પ્રવૃત્તિઓના આયોજન દ્વારા લોકોમાં પોષણને લઈને જાગૃતિ કેળવાય તે માટેનો છે.

પોષણ માસ અંતર્ગત સપ્ટેમ્બર મહિના દરમિયાન જીલ્લામાં મંગળ દિવસ, મમતા દિવસ, આરોગ્ય પોષણ, સ્તનપાન જાગૃતિ, સુશાસન અને પારદર્શિતા માટે ટેકનોલોજી, પોષણ ભી પઢાઈ ભી, પોષણ વાટિકા, એક પેડ મા કે નામ, સફાઈ, પોષણ મેળો, જલ સંરક્ષણ, સ્વ સહાય જૂથ, વેબીનાર વર્કશોપ, રસોઈ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કૃષિ અને પોષણ, આંગણવાડીની સેવાઓનો પ્રચાર વગેરે પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.

‘દરેક ઘર સુધી યોગ્ય પોષણ’ નો સંદેશો પહોંચાડવા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પોષણ માસની ઉજવણી માટે શપથ લીધા હતા.

આ બેઠકમાં આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મનિષાબેન બારોટ, ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી, બાળ વિકાસ યોજના અધિકારી, મહિલા બાળ સુરક્ષા અધિકારી, સીડીપીઓ, વાસ્મો અને પાણી પુરવઠા સહિત સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.