
મહીસાગર,સમસ્યાઓના ત્વરિત સમાધાન કરતા કાર્યક્રમ સ્વાગત થકી નાગરિકોના વણ ઉકેલ્યા પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવે છે. અરજદારોએ આ કાર્યક્રમ થકી વર્ષોથી ચાલી આવતી ઘણી સમસ્યાઓના ઉકેલ મેળવ્યા છે, ત્યારે સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પુર્ણ થવાના અવસરે જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે, મહીસાગર જિલ્લાનાં કલેક્ટર કચેરી ખાતે મહીસાગર કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજદારોએપોતાની સમસ્યાઓના ઉકેલ કે સમાધાન મળતા સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
એમાંના એક મહીસાગર જિલ્લાના લુણાવાડાના વતની જાગૃતિબેન ભોઈને છેલ્લા ત્રણ વર્ષથી માલિકીની જમીનમાં હવાઈ દબાણની સમસ્યા હતી. તેમના દ્વારા વારંવાર રજુવાત કરવા છતાં તેમની સમસ્યાનો કોઈ નિકાલ આવતો ન હતો. ત્યારે આજ રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ર્નની રજૂઆત કરતા કલેક્ટર દ્વારા ધ્યાન પૂર્વક સાંભળી સંબંધિત અધિકારીને આજ સાંજ સુધી હવાઈ દબાણ હટાવવા આદેશ કરાયા અને તેનો તરત જ અમલ કરવામાં આવ્યો.
જાગૃતિબેન ભોઈ દ્વારા જણાવ્યું કે સરકારના આવા કાર્યક્રમો સમયાંતરે થતા રહેવા જોઈએ, અમારા જેવા લોકો કચેરીના ધક્કા ખાઈ ખાઈને થાકી જાય તો પણ સમસ્યાનું નિરાકરણ ન આવે અથવા અમને કાયદાકીય કે સરકારી ગુચવણમાં નાખી નિરાશા જ હાથ લાગે. જ્યારે જિલ્લામાં તમામ અધિકારીઓની હાજરીમાં અમારો પ્રશ્ર્ન મુકાય અને જિલ્લા અને કલેક્ટર જેવા મોટા અધિકારી હાજર હોય તો અમારા પ્રશ્ર્નનું નિરાકરણ સ્થળ પર જ આવે તેવી તમામ શક્યતાઓ છે. અમે આજે ખુબ ખુશ છીએ કે વર્ષો બાદ અમને આજે અમારી માલિકીની જમીન મળી છે.