જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ, ગોધરા અંબાલી મુકામે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

ગોધરા,પંચમહાલ અંબાલી મુકામે 21 ફેબ્રુઆરીએ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બૃહદ પંચમહાલ સાહિત્ય સભા તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અકાદમી પ્રેરિત માતૃભાષા મહોત્સવ અંતર્ગત ’મળી માતૃભાષા મને ગુજરાતી’ વિષય પર ગુજરાતના નામાંકિત સર્જકો પ્રો.કાનજી પટેલ, પ્રવીણસિંહ ખાંટ, વિનુ બામણીયાએ કવિતા અને વ્યક્તવ્ય આપી પોતાની ભાષાપ્રીતિ વ્યક્ત કરતાં માતૃભાષાનું ગૌરવ, મહત્ત્વ વધે તેમજ સહ ચિંતન કરી સંવર્ધન થાય તેવી હાકલ કરી હતી.

ભાષાવિદ્વાન કાનજી પટેલે ભાષા વિશે વિસ્તૃત વાત કરતા ભાષાની ઉત્પત્તિ, વિશ્વના દેશોની ભાષાઓનો પરસ્પરના મેળ, અપભ્રંશ શબ્દો સાથે વિવિધ શબ્દોની ઉત્પત્તિ, ભાષા અને માટી સાથેનો નાતો જેવા વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

આજના પાવન પ્રસંગને માન.ચેરમેન અરવિંદસિંહ પરમાર જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ડાયટ પંચમહાલના સિનિયર લેકચરર ભુપેન્દ્રભાઈ સોલંકીએ ગુજરાતી ભાષાનો મહિમા ગાતા સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સિનિયર લેકચરર ઉમેશભાઈ ચૌહાણ પણ જોડાયા હતા.

કાર્યક્રમનું સુચારૂં સંચાલન બાબુભાઈ પટેલ ’બિલે’ એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંયોજન કરતાં સંયોજક રંજનબેન માલીવાડે માતૃભાષાની જય કરી આભાર વ્યક્ત કર્યો હતો.

આપણે સૌને આપણી લાગતી ભાષા માતૃભાષા છે. માતાના મોંઢેથી શીખેલી પ્રથમ ભાષા આપણી માતૃભાષા છે. એ જ ભાષા પ્રત્યેના આપણા પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીએ વિશ્ર્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ભાષાકીય, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્ર્વભરના લોકો વિવિધ કાર્યક્રમો દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરે છે જેથી માતૃભાષાના મહત્વને સમજી અને જાળવી શકાય શકાય.

વર્ષ 1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માતૃભાષાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે 21 ફેબ્રુઆરીએ એક આંદોલન કરવામાં આવ્યું હતું. તેમાં શહીદ થયેલા યુવાનોની સ્મૃતિમાં જ યુનેસ્કોએ 17 નવેમ્બર 1999ના રોજ 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરાઈ હતી.

આજે વધુને વધુ ભાષાઓ લુપ્ત થઈ જતાં ભાષાકીય વિવિધતા વધુ જોખમમાં આવી ગઈ છે. યુએનના અહેવાલ મુજબ, વૈશ્વિક સ્તરે 40 ટકા વસ્તીને તેઓ બોલે છે અથવા સમજે છે એ ભાષામાં શિક્ષણની પહોંચ નથી. એટલે જ માતૃભાષા દિવસ થકી આ ભાષાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ માટે યુનેસ્કો દ્વારા દર વર્ષે એક થીમ (વિષય) નક્કી કરવામાં આવે છે. આ દિવસે દુનિયાભરમાં ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા અલગ-અલગ પ્રકારના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. મોટાભાગના નિર્ધારિત થીમ પર હોય છે.

દર વરસે આ અંગે ગુજરાતમાં સાહિત્યિક સંસ્થાઓ માતૃભાષા દિવસની ઉજવણી કરે છે. આ વર્ષે પણ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં વિવિધ સાહિત્યિક સંસ્થાઓ, શાળા, કોલેજોમાં વિવિધ કાર્યક્રમો યોજી માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાષાને સમૃદ્ધ અને રળિયામણી બનાવવા સૌ કોઈ આ યજ્ઞમાં જોડાઈ પોતાના ભાષાપ્રેમને પ્રગટ કર્યો હતો.